સેન્સેક્સ-નિફ્ટીએ સતત બીજા દિવસે કરી કમાલ, નવી ઐતિહાસિક ટોચે, માર્કેટ કેપમાં પણ ધૂમ તેજી
Stock Market Today: ભારતીય શેરબજાર આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત સ્મોલકેપ, મીડકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર સહિતના ઈન્ડેક્સ પણ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
આજે સેન્સેક્સ નજીવા ઘટાડે ખૂલ્યા બાદ વધી 75582.28ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. 10.39 વાગ્યે 74.23 પોઈન્ટ ઘટી 75343 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ 23000ની સપાટી વટાવી 23004.05ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 10.40 વાગ્યે 30.40 પોઈન્ટ ઘટી 22937.25ની સપાટીએ કારોબાર થઈ રહ્યો હતો.
શેરબજારમાં તેજી પાછળનું કારણ પોઝિટીવ વૈશ્વિક પરિબળો તેમજ લોકસભા ચૂંટણીના પરિણામોમાં અપેક્ષિત જીતના અહેવાલો પગલે છે. વધુમાં લગભગ દોઢ મહિના બાદ એફઆઈઆઈએ હજારો કરોડમાં ખરીદી નોંધાવી છે. ગઈકાલે એફઆઈઆઈએ 4670.95 કરોડનું રોકાણ કર્યું હતું.
માર્કેટ કેપ સળંગ પાંચ દિવસે નવી ટોચે
બીએસઈ માર્કેટ કેપ સળંગ પાંચમાં દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. બીએસઈ માર્કેટ કેપ આજે 421.22 લાખ કરોડની સપાટી નોંધાવી છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3645 પૈકી 1803 સુધારા અને 1676 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. 158 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 17 વર્ષની બોટમે પહોંચ્યું છે. આ સિવાય 166 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 197 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી છે.
પીએસયુ શેરોમાં આજે ફરી તેજી
પીએસયુ શેરોમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. આજે ફરી બીડીએલનો શેર 12.85 ટકા, આરસીએફ 7.07 ટકા, કોચિન શીપયાર્ડ 5.32 ટકા, HAL 5 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ ઈરકોન, આઈટીઆઈ, એમએમટીસી, આઈઆરસીટીસી શેરોમાં પ્રોફિટ બુકિંગના પગલે 2.32 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.