શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો સુધારો, આ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું
Stock Market Today: શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 11.08 વાગ્યે સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે 75504.50 અને નિફ્ટી 39.5 પોઈન્ટના સુધારા સાથે 22971.95 પર ટ્રેડ થઈ રહ્યો છે.
વૈશ્વિક અને સ્થાનીય સ્તરે આ સપ્તાહમાં ફુગાવા, જીડીપી સંબંધિત અતિ મહત્ત્વના આંકડાં જારી થવાના છે. જેના પગલે રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી વોલેટિલિટી વચ્ચે સુધારા તરફી વલણ જાળવવા પ્રયાસ કરી રહ્યા છે.
સ્ટોક સ્પેસિફિક તેજી
ઓટો, મેટલ, એફએમસીજી શેરોમાં આજે સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. જ્યારે આઈટી, સ્મોલકેપ, મીડકેપ, પીએસયુ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ નોંધાઈ રહ્યું છે. અમુક માર્કેટ નિષ્ણાતોએ 4 જૂને લોકસભા પરિણામો બાદ માર્કેટ નેગેટીવ રહેવાની શક્યતાઓ દર્શાવી છે. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ ચૂંટણી પરિણામો અને અમેરિકી ફુગાવાના આંકડાઆને ધ્યાનમાં લેતાં થોભો અને રાહ જુઓ અભિગમ અપનાવ્યો છે. ગઈકાલે એફઆઈઆઈની રૂ. 541.22 કરોડની વેચવાલી સામે ડીઆઈઆઈએ 922.60 કરોડની ખરીદી નોંધાવી હતી.
આ શેરોમાં સુધારો
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 20 શેરો સુધારા તરફી અને 10 શેરો ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 0.88 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.81 ટકા, વિપ્રો 0.72 ટકા, ટીસીએસ 0.49 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
આ શેરો તૂટ્યા
સેન્સેક્સ પેકમાં પાવર ગ્રીડ 0.96 ટકા, ટેક મહિન્દ્રા 0.65 ટકા, એનટીપીસી 0.57 ટકા, એક્સિસ બેન્ક 0.40 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.39 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય આઈનોક્સ વિન્ડ 10 ટકા, એસડીબીએલ 6.20 ટકા, બીડીએલ 6.10 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.
(નોંધઃ અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી માટે જ છે. રોકાણ માટે સલાહ આપતી નથી. રોકાણ અંગે નિર્ણયો લેતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)