શેરબજારમાં સદાબહાર તેજી, નિફ્ટી ઝડપથી 25000 થવાનો આશાવાદ, આજે ફરી ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચે
Stock Market Today: ભારતીય શેરબજાર સળંગ તેજીની ચાલ સાથે રોજ નવી ઐતિહાસિક સપાટી બનાવી રહ્યા છે. વિદેશી રોકાણકારોની આકર્ષક લેવાલી સાથે આજે સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. ટેલિકોમ અને ટેક્નો શેર્સમાં પણ આકર્ષક ઉછાળા સાથે ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચ નોંધાવી છે.
સેન્સેક્સ આજે 428.4 પોઈન્ટના ઉછાળા સાથે 79671ની નવી ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ 1.46 વાગ્યે 301 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24174ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 94.60 પોઈન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોની મૂડી આજે વધુ રૂ. 2.04 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ 440.76 લાખ કરોડ થઈ છે.
209 શેર્સ વર્ષની ટોચે, 224માં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે 210 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા છે. જ્યારે 224 શેર્સમાં અપર સર્કિટ વાગી છએ. 158 શેર્સ લોઅર સર્કિટ સાથે અને 17 શેર્સ વર્ષના તળિયે પહોંચી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેન્ક ટોપ પર્ફોર્મર રહ્યો છે. પીએનબી, બેન્ક ઓફ બરોડા, એસબીઆઈ સહિત બેન્કિંગ શેરોમાં 2 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ટેક અને ટેલિકોમ ઈન્ડેક્સ પણ ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. નિફ્ટી રિયાલ્ટી અને નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.2 ટકા સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
માર્કેટ નિષ્ણાતોએ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટીવ પરિબળો તેમજ વિદેશી રોકાણકારો ફરી પાછું રોકાણ વધારી રહ્યા હોવાના અહેવાલે માર્કેટની તેજી આગામી થોડા સમય સુધી જારી રહેવાનો સંકેત આપ્યો છે. લાર્જ કેપ અને મીડ કેપ શેરોમાં બુલિશ ટ્રેન્ડ સાથે નિફ્ટી ટૂંકસમયમાં 25000નું લેવલ ક્રોસ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.