Stock Market Today: ત્રણ દિવસના ઉછાળા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન, મેટલ-પાવર શેરોમાં તેજી
Stock Market Today: ભારતીય શેરબજારે સતત ત્રણ દિવસ સુધી ઉછાળો નોંધાવ્યા બાદ આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 200 પોઈન્ટ અને નિફ્ટી પણ 22500નુ લેવલ તોડી કારોબાર થઈ રહ્યો છે.
11.00 વાગ્યે સેન્સેક્સ 168.32 પોઈન્ટ ઘટી 73837.62 પર અને નિફ્ટી -24.55 પોઈન્ટ ઘટી 22477.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. 412.92 લાખ કરોડ થઈ છે. 247 શેરો વર્ષની ટોચે અને 271 સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે આગેકૂચ કરી રહી છે. જ્યારે 177 શેરોમાં લોઅર સર્કિટ અને 24 શેરો વાર્ષિક બોટમે પહોંચ્યા હતા.
મેટલ અને પાવર શેરોમાં તેજી
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 18 શેરોમાં 1.60 ટકા ઘટાડો અને 12 શેરોમાં 2.30 ટકા સુધી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ 2.30 ટકા, ટાટા સ્ટીલ 2.29 ટકા, પાવરગ્રીડ 1.56 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ ઈન્ડસ્ટ્રીના પ્રોત્સાહક પરિણામો અને માગમાં વૃદ્ધિના કારણે મેટલ શેરો તેજી તરફ આગેકૂચ કરી રહ્યા છે. વેદાંતા લિ.નો શેર 4.55 ટકા ઉછાળે 479.40 પર ટ્રેડ થવા સાથે ટોપ ગેઈનર રહ્યો છે. પાવર ઈન્ડેક્સ 0.90 ટકા સુધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો ન આવે ત્યાં સુધી અર્થાત 4 જૂન સુધી માર્કેટ વોલેટાઈલ રહેશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એનડીએની જીત સુનિશ્ચિત કરતાં કહ્યું હતું કે, 4 જૂનથી શેરબજારમાં મબલક તેજી આવશે. શેરબજારના ઓપરેટર્સ માર્કેટની તેજીને હેન્ડલ કરતાં થાકી જશે. અગાઉ અમિત શાહે પણ આ પ્રકારના નિવેદન આપતાં માર્કેટમાં સુધારાની ચાલ જોવા મળી હતી.