શેરબજારમાં દિવાળી પહેલાં વેચવાલીનું જોર વધ્યું, રોકાણકારોએ 8.51 લાખ કરોડ ગુમાવ્યા
Stock Market Today: વિક્રમ સંવત 2080 પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. 8.51 લાખ કરોડની મૂડી ગુમાવી છે. જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં 25.22 લાખ કરોડનું ગાબડું થયું છે. દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.
માર્કેટની આજની સ્થિતિ
સેન્સેક્સ અને નિફ્ટીએ આજે ઘટાડા સાથે શરૂઆત કરી છે. વિદેશી રોકાણકારોની વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે આજે સેન્સેક્સ 10.30 વાગ્યા સુધીમાં 423.42 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટી તોડી 24636.75 થયો હતો. જે 11.00 વાગ્યે 70 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ રૂ. 449.84 લાખ કરોડ થઈ છે.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3783 સ્ક્રિપ્સ પૈકી 731 શેર્સ સુધારા તરફી અને 2944 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે 298 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 101 શેર્સે વર્ષનું તળિયું નોંધાવ્યું હતું. સેન્સેક્સ પેકમાં પણ કુલ 30 પૈકી 9 શેર્સમાં સુધારો જ્યારે અન્ય તમામ 21 શેર્સ 2 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
રિયાલ્ટી શેર્સમાં કડાકો
દેશનો ટોચનો રૂ. 27870 કરોડનો હ્યુન્ડાઈનો આઈપીઓએ આજે 1.32 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 1960 સામે રૂ. 1934માં લિસ્ટિંગ કરાવ્યું છે. આ ઈશ્યૂને રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ પ્રતિસાદ આપ્યો ન હતો. રિયલ એસ્ટેટ માર્કેટમાં બીજા ત્રિમાસિકમાં વેચાણો ઘટતાં રિયાલ્ટી ઈન્ડેક્સ 2.51 ટકા સુધી તૂટ્યો હતો. મેટલ, પાવર અનેઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.