સેન્સેક્સ 75000ની સપાટીએ ખૂલ્યા બાદ 722 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 50 ઓલટાઈમ હાઈ થયો
Stock Market Today: શેરબજારમાં મોટાભાગના સ્ક્રિપ્સના ઉંચા ભાવેથી વેચવાલી નોંધાવી રોકાણકારો દ્વારા પ્રોફિટ બુક કરવામાં આવતાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ આજે 75 હજારની સપાટીએ ખૂલ્યા બાદ ઉંચામાં 75095.18 પોઈન્ટ સુધી વધ્યો હતો. જો કે, બાદમાં વધ્યા મથાળેથી 722.83 પોઈન્ટ તૂટી 74372.35 થયો હતો.
નિફ્ટીએ આજે 22766ના સ્તરે ખૂલ્યા બાદ 22794.70ની ઓલટાઈમ સપાટી નોંધાવી હતી. જો કે, ત્યારબાદથી 201.6 પોઈન્ટ ઘટી 22593.10 થયો હતો. 10.37 વાગ્યા સુધીમાં 9.05 પોઈન્ટના નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે કુલ 164 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 7 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીજી બાજુ 217 શેરો વર્ષની ટોચ અને 229 શેરો અપર સર્કિટ સાથે કારોબાર થઈ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થમાં 50-50નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અર્થાત વોલેટિલિટી વધી છે.
આ શેરોમાં વોલ્યૂમ વધ્યા
સવારના ટ્રેડિંગ સેશનમાં અજંતા ફાર્મા, આઈએફસીઆઈ, ભેલ, પિરામલ ફાર્માના શેરોમાં વોલ્યૂમ વધતાં ટોપ ગેઈનર્સ તરીકે ઉભરી આવ્યા હતા. બીજી બાજુ વોલ્ટાસ, કોફોર્જ, એગ્રી ગ્રીન ટેક્, લોય્ડ એન્જિનિયરિંગ્સના શેરોમાં 9 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું.
સેન્સેક્સ પેકના 19 શેરોના ભાવ 2 ટકા સુધી ઘટ્યા
લગભગ એક સપ્તાહથી વધુ સમયથી રોજ નવી ટોચ બનાવનાર ભારતી એરટેલના શેરમાં હવે પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. 10.44 વાગ્યા સુધીમાં Bharti Airtelનો શેર 1.81 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. લાર્સન એન્ડ ટ્રુબો 1.30 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.95 ટકા, મારૂતિ 0.74 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યા છે. સેન્સેક્સ પેકની બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એનટીપીસીના શેરોમાં 1.22 ટકાથી 4.56 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે.