શેરબજારમાં વોલેટિલિટીનો માહોલ, બેન્કિંગ અને મેટલ શેરોમાં વેચવાલી વધી, જાણો શું છે સ્થિતિ
Stock Market today: ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત નેગેટીવ નોટ સાથે થઈ છે. પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા હતા. બેન્કિંગ અને મેટલ શેરોમાં આજે મોટાપાયે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો.
સેન્સેક્સ આજે 324.25 પોઈન્ટ ઘટાડે ખૂલ્યા બાદ 463.96 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, 10.30 વાગ્યા સુધીમાં ફરી પાછો 100 પોઈન્ટ વધી 77209.90ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 23382.30ના લેવલે ખૂલ્યા બાદ ઘટી 23350 થયો હતો. 10.44 વાગ્યે 37.45 પોઈન્ટ ઘટી 23463.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે 218 સ્ક્રિપ્સ નવી વાર્ષિક ટોચે પહોંચી હતી. 280 શેર્સમાં અપર સર્કિટ અને 172 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
શુષ્ક માહોલ પાછળનું કારણ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ આજે ફ્રન્ટ રનિંગની શંકાના આધારે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની તમામ ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અપેક્ષિત સેક્ટર્સ અંગે કોઈ નિર્ણયો લેવામાં ન આવ્યા હોવાની અસર પણ બજાર પર જોવા મળી છે. સપ્તાહની શરૂઆત વેચવાલીના પ્રેશર વચ્ચે નેગેટીવ થઈ છે. એકંદરે પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળવાની શક્યતા એન્જલ વનના ઈક્વિટી ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ રાજેશ ભોસલેએ જણાવી છે.
રિયાલ્ટી, મેટલ અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ
આજે રિયાલ્ટી, મેટલ અને બેન્કિંગ શેરોમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા છે. બીએસઈ ખાતે રિયાલ્ટી ઈન્ડેક્સ 0.81 ટકા, મેટલ 0.83, બેન્કેક્સ 0.45 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ઇન્ડસઈન્ડ બેન્ક 2.71 ટકા, ફેડરલ બેન્ક 0.99 ટકા, કેનરા બેન્કના શેર 0.97 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. કેપિટલ ગુડ્સ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, એફએમસીજી ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થી રહ્યા છે. જેમાં કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ સૌથી વધુ 1.22 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.