Stock Market Today: શેરબજાર ઘટાડે ટ્રેડ, સેન્સેક્સ વધ્યા મથાળેથી 413 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: ભારતીય શેરબજારો સતત છ ટ્રેડિંગ સેશનમાં પોઝિટીવ નોટ સાથે બંધ આપ્યા બાદ આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સવારે 74515.91ની ટોચે પહોંચ્યા બાદ 413.36 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 22620.40ની સપાટીએ ખૂલ્યા બાદ 11.39 વાગ્યે 26.70 પોઈન્ટ ઘટાડે 22543.65 પર ટ્રેડ થઈ રહ્યો છે.
રોકાણકારોની મૂડી 1.31 લાખ કરોડ વધી
સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્ટોક સ્પેસિફિક વલણના પગલે રોકાણકારોની મૂડી 1.31 લાખ કરોડ વધી 405.49 લાખ કરોડ થઈ હતી. બીએસઈ ખાતે કુલ 220 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 10 વર્ષના તળિયે પહોંચી હતી. 254 શેરો અપર સર્કિટ અને 146 શેરો લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. કુલ ટ્રેડેડ 3708 સ્ક્રિપ્સ પૈકી 2140 સુધારા તરફી અને 1414 ઘટાડા તરફી કારોબાર થઈ રહી છે.
માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ
અમેરિકી જીડીપી આંકડા અપેક્ષા કરતાં ઘટ્યા છે. તેમજ ફુગાવામાં વધારો નોંધાયો છે, જે યુએસ ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે રેટ કટની કોઈ જાહેરાત ન કરવાના નિવેદનને સમર્થન આપે છે. પરિણામે ઈક્વિટી બજારોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાઈ રહ્યું છે. ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારતીય મૂડી બજારમાંથી 2823.33 કરોડની વેચવાલી નોંધાવી હતી. જો કે, સ્થાનીય સંસ્થાકીય રોકાણકારો (DII)ની રૂ. 6167.56 કરોડની લેવાલી માર્કેટને ટેકો આપી રહી છે.
સ્થાનીય સ્તરે બેન્કિંગ, ફાઈનાન્સિયલ્સ સર્વિસિઝ તથા ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ત્રિમાસિક પરિણામોને આધિન શેરોમાં હિલચાલ જોવા મળી રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22623- 22699 અને 22821 પોઇન્ટ જણાય છએ. જ્યારે સપોર્ટ લેવલ્સ 22378- 22302 અને 22180 પોઈન્ટ્સના લેવલ્સ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.