Stock Market: વૈશ્વિક પરિબળો અને લોકસભા ચૂંટણી પરિણામની અટકળો વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.52 લાખ કરોડ સ્વાહા
Stock Market Today: શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત મોટા કડાકા સાથે થઈ છે. સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 10.30 વાગ્યા સુધીમાં 781.57 પોઈન્ટ તૂટી 71882.90ની બોટમે પહોંચ્યો હતો. 10.45 વાગ્યે 767.54 પોઈન્ટ ઘટાડે 71896.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ તેની 22000ની સપાટી ગુમાવી ઘટી 21828.40ના તળિયે પહોંચ્યો હતો. જે 10.45 વાગ્યે 221.20 પોઈન્ટ તૂટી 21834 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોના 4.52 લાખ કરોડ ડૂબ્યા
10.45 વાગ્યા સુધીમાં શેરબજારો કડડભૂસ થતાં રોકાણકારોના 4.52 લાખ ડૂબ્યા હતા. 277 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે બીએસઈની કુલ ટ્રેડેડ 3803 સ્ક્રિપ્સમાંથી 2762 રેડ ઝોનમાં અને માત્ર 906 સ્ક્રિપ્સ સુધારા તરફી કારોબાર થઈ રહી હતી. જેમાંથી 131 શેરો વર્ષની ટોચ અને 43એ વર્ષની બોટમ નોંધાવી હતી.
શેરબજારમાં કડાકા પાછળનું કારણ
• આજે લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું મતદાન છે.જો કે, પાછલા ત્રણ તબક્કામાં ઓછું મતદાન નોંધાતાં અપેક્ષિત બેઠકો પર એનડીએની જીત મામલે આશંકાઓ વધી છે.
• બીજું એપ્રિલમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ ઓવરવેઈટેડ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે.
• નિષ્ણાતોએ ચૂંટણીના પરિણામો સુધી શેરબજારમાં ભારે વોલેટિલિટી રહેવાનો અંદાજ આપ્યો છે. ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આજે સવારના ટ્રેડિંગ સેશનમાં 14 ટકા વધી 21ની ટોચે પહોંચ્યો છે. જે માર્કેટમાં વોલેટિલિટીમાં વધવાનો સંકેત આપે છે.
• અમેરિકામાં સતત ફુગાવામાં વૃદ્ધિના પગલે આર્થિક મંદીની ભીતિ વધી છે. 10 વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડ 4.45 ટકાથી વધી 4.50 ટકા થઈ છે.
• અમેરિકા દ્વારા દેશની બીજી ટોચની ઈકોનોમી ચીનમાંથી નિકાસ થતાં ગુડ્સ પર ટેરિફ વધારવાનો સંકેત મળ્યો છે. જેની અસર એશિયન બજારો પર જોવા મળી છે.