સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 226 પોઈન્ટ વધ્યો, બેન્ક-આઈટી, એફએમસીજી સહિતના શેરો ડાઉન
Stock Market Today: ભારતીય શેરબજારો ઓપનિંગ સેશનમાં ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 225.92 પોઈન્ટ વધી 73002.05નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 22000નું લેવલ સમાચાર લખાયા ત્યાં સુધી જાળવ્યું છે.
ગઈકાલે શેરબજાર પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા હોવા છતાં રોકાણકારો સાવચેતીના વલણ સાથે આગળ વધી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો સુધી માર્કેટમાં ભારે વોલેટિલિટી રહેવાની શક્યતા નિષ્ણાતો આપી રહ્યા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ આજે 1.12 ટકાના ઉછાળા સાથે 20.83 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેણે ઓપનિંગ સેશનમાં ફરી નવી 21.88ની વાર્ષિક ટોચ નોંધાવી છે.
બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ
બેન્કિંગ અને એફએમસીજી ઈન્ડેક્સ આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ખાસ કરીને ખાનગી બેન્કોના શેરોમાં ઘટાડાની અસર બેન્કેક્સમાં જોવા મળી છે. એફએમસીજી શેરોમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતાં ઈન્ડેક્સ 0.22 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આઈટી અને ટેક્નોલોજી સેગમેન્ટના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
એફઆઈઆઈ વેચવાલ
એફઆઈઆઈએ ગઈકાલે રૂ. 4498.92 કરોડની વેચવાલી નોંધાવી હતી. વિદેશી રોકાણકારો ડોલરના વધતાં મૂલ્યનો લાભ લેતાં રોકાણ પાછું ખેંચી પ્રોફિટ બુક કરી રહ્યા છે. જો કે, ગઈકાલે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા રૂ. 3562.75 કરોડનો ટેકો મળતાં માર્કેટ સુધારા સાથે બંધ રહ્યુ હતું. આજે પણ એફઆઈઆઈ વેચવાલ રહેશે.
215 શેરોમાં અપર સર્કિટ, 119 સ્ક્રિપ્સ વર્ષની ટોચે
બીએસઈ ખાતે સવારના 10.52 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 3575માંથી 2402 શેરો સુધારા તરફી અને 1004 શેરો ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. આજે 217 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 120 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી બાજુ 150 સ્ક્રિપ્સ લોઅર સર્કિટ અને 20 વર્ષના તળિયે પહોંચી હતી.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
11 વાગ્યે સેન્સેક્સ 100.11 પોઈન્ટ સુધરી 72876.24 અને નિફ્ટી 39 પોઈન્ટ વધી 22143.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 399.25 લાખ કરોડ સાથે રોકાણકારોની મૂડી 1.69 લાખ કરોડ વધી હતી.