Stock Market: મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનના પગલે શેરબજારો બંધ રહેશે
BSE NSE to Remain Closed: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શેરબજાર બંધ રાખવાની જાહેરાત કરી છે. એક્સચેન્જે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં લોકસભા ચૂંટણીના પગલે 20 મેના રોજ ટ્રેડિંગ હોલિડે રહેશે.
ગયા મહિને ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે છે. આ રજાના લીધે એનએસઈએ નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી તારીખ 20 મેથી બદલી 17 મે કરી છે.
એપ્રિલમાં આ બે દિવસ બજાર બંધ
શેરબજારો એપ્રિલમાં રમજાન ઈદ અને રામનવમીના પર્વના લીધે બે દિવસ કામકાજ બંધ રાખશે. 11 એપ્રિલે રમજાન ઈદ અને 17 એપ્રિલે રામનવમીની રજા રહેશે. ત્યારબાદ 1 મેના રોજ મહારાષ્ટ્ર દિન નિમિત્તે પણ શેરબજારો બંધ રહેશે.
અગાઉ ચૂંટણીના કારણે આ બજારો બંધ રહ્યા હતાં
અગાઉ 2014માં અને 2019માં પણ લોકસભા ચૂંટણીના કારણે બીએસઈ અને એનએસઈ સ્ટોક એક્સચેન્જે રજા જારી કરી હતી. મતદાન હોવાથી ફોરેક્સ અને મની માર્કેટે પણ ટ્રેડિંગ બંધ રાખ્યું હતું. 20 મે-24ના રોજ ધુલે, દિન્દોરી, નાસિક, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ-દક્ષિણ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ અને પાલઘરની બેઠકો પર મતદાન યોજાશે.
સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે
ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જારી છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ 75124.28 અને નિફ્ટી50 22768.40ની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. 12.28 વાગ્યે નિફ્ટી 43.10 પોઈન્ટના સુધારા સાથે 22709.40 અને સેન્સેક્સ 195.99 પોઈન્ટ વધી 74933.63 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ શેરોમાં પણ તેજી સાથે ઈન્ડેક્સે આજે ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.
બીએસઈ ખાતે ટ્રેડેડ 3811 પૈકી 1874 સ્ક્રિપ્સ સુધારા અને 1804 સ્ક્રિપ્સ ઘટાડે કારોબાર થઈ રહી હતી. 216 સ્ક્રિપ્સ વર્ષની ટોચે જ્યારે 256 શેરોમાં અપર સર્કિટ વાગી હતી.