નાણાકીય વર્ષના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી, માર્કેટ કેપ વધીને રૂપિયા 388.4 લાખ કરોડે પહોંચી ગયું
આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટીએ ઉછાળા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી
હવે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે શેરબજારમાં ટ્રેડિંગ થશે
Share Market News: ભારતીય શેરબજારમાં FY24ના છેલ્લા ટ્રેડિંગ દિવસે તોફાની તેજી જોવા મળી હતી. આજે સવારે BSE સેન્સેક્સ 153 પોઈન્ટના ઉછાળા સાથે 73149 પર ખુલ્યો હતો. એનએસઈના 50 સ્ટોકવાળો ઈન્ડેક્સ નિફ્ટી 50એ પણ આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 39 પોઈન્ટના ઉછાળા સાથે 22163ના સ્તર પર ટ્રેડિંગની શરૂઆત કરી હતી.
ટ્રેડિંગ દરમિયાન ભારે ઉછાળો આવ્યો હતો
ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઉછળીને 74,190 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 400 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને ટ્રેડિંગ સમયે 22,516 પોઈન્ટ્સ પર પહોંચી ગયો હતો. આ ઉછાળા વચ્ચે BSE પર તમામ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 4.78 લાખ કરોડ વધીને રૂ. 388.4 લાખ કરોડ થયું છે. ઉલ્લેખનીય છે કે હવે શેરબજારમાં ટ્રેડિંગ નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી એપ્રિલે થશે. 29 માર્ચે ગુડ ફ્રાઈડે અને 30 અને 31 માર્ચે સાપ્તાહિક રજાઓને કારણે બજારો બંધ રહેશે.
મિડકેપ શેરમાં ખરીદી જોવા મળી
નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા સત્રમાં તેજી જોવા મળી હતી. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. મિડકેપ શેરમાં ખરીદી જોવા મળી છે. પીએસસી અને ફાર્મા, ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી છે. મેટલ, ઈન્ફ્રા, એફએમસીજી ઈન્ડેક્સ પણ વધીને બંધ થયા છે. જો કે આજે રૂપિયો ત્રણ પૈસા નબળો પડ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 655.04 પોઈન્ટ્સ અથવા 0.90 ટકા વધીને 73,651.35 પર અને નિફ્ટી 203.20 પોઈન્ટ્સ અથવા 0.92 ટકા વધીને 22,326.90 પર બંધ થયો હતો.