Get The App

શેરબજારમાં રોકેટ બન્યું : સેન્સેક્સ 79,000, નિફ્ટી 24,000ને પાર

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં રોકેટ બન્યું : સેન્સેક્સ 79,000, નિફ્ટી 24,000ને પાર 1 - image


- રોકાણકારોની સંપત્તિ વધીને રૂ. 438.42 લાખ કરોડની વિક્રમી ટોચે

- સેન્સેક્સમાં 1,000 પોઇન્ટનો ઉછાળો માત્ર બે દિવસમાં  વિદેશી રોકાણકારોની રૂ. 7,650 કરોડથી વધુની ખરીદી

- કામકાજના અંતે સેન્સેક્સ 79,243 અને નિફ્ટી 24,044ની નવી ટોચે

અમદાવાદ : ભારતનો જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થવાના આગલા દિવસે ભારતીય શેર બજારમાં આજે એક નવો ઇતિહાસ રચાયો હતો. આગામી બજેટમાં અનેક મોટા પોઝિટીવ સુધારા સહિતની અન્ય દરખાસ્તો રજૂ થવાની પ્રબળ આશા સાથે વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સે ૭૯,૦૦૦ની અને એનએસઇના નિફ્ટીએ ૨૪,૦૦૦ની સપાટી પ્રથમ વખત કૂદાવી દીધી હતી. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિ (બીએસઇ માર્કેટ કેપ) પણ રૂ. ૪૩૮ લાખ કરોડની વિક્રમી ઉંચાઈએ પહોંચી જવા પામી હતી.

આજથી જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ થનાર છે આ અહેવાલોની અસરરૂપે આગામી ૧૦ મહિનામાં ભારતમાં ૩૦ અબજ ડોલરનો ઇનફ્લો ઠલવાય તેવી પ્રબળ આશા છે. આમ પણ ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ડેટ માર્કેટમાં ૮ અબજ ડોલરનું જંગી રોકાણ કર્યું છે

આ અહેવાલની વિદેશી રોકાણકારો ઉપર સાનુકૂળ અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં રૂ. ૭૬૫૯ કરોડની જંગી લેવાલી હાથ ધરાઈ હતી. બીજી તરફ આગામી સમમયાં રજૂ થનાર બજેટમાં વેરામાં રાહત સહિતના અન્ય પોઝિટીવ સુધારા જાહેર થવાની ગણતરીની પણ બજાર પર સાનુકૂળ અસર થઈ હતી.

ઉપરોક્ત અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો, ખેલાડીઓ, ઓપરેટરો સહિત ચોમેરની નવી લેવાલી પાછળ નીકળેલી નવી ઝડપી લેવાલી પાછળ સેન્સેક્સ ઉછળીને ઇન્ટ્રા-ડે ૭૯,૦૦૦ની સપાટી કૂદાવી ૭૯,૩૯૬.૦૩ની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. જે કામકાજના અંતે ૫૬૮.૯૩ ઉછળીને ૭૯,૨૪૩.૧૮ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સની જેમ જ નિફ્ટી પણ આજે નવી ઝડપી લેવાલી પાછળ ઇન્ટ્રા-ડે ઉછળીને ૨૪,૦૦૦ની સપાટી કૂદાવી ૨૪,૦૮૭.૪૫ની લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી કામકાજના અંતે ૧૭૫.૭૦ પોઇન્ટ વધીને ૨૪૦૪૪.૫૦ની નવી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૪૦ લાખ કરોડનો વધારો થતાં તે રૂ. ૪૩૮.૪૨ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. બજારના મુખ્ય ઇન્ડેક્સમાં વિક્રમી ઉછાળો નોંધાયો હોવા છતાં આજે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં મોટા પાયે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

સેન્સેક્સની વિક્રમી કૂચ

સપાટી

હાંસલ કર્યા તારીખ

૭૦,૦૦૦

૧૫/૧૨/૨૦૨૩

૭૫,૦૦૦

૯/૪/૨૦૨૩

૭૬,૦૦૦

૨૭/૫/૨૦૨૪

૭૭,૦૦૦

૧૦/૬/૨૦૨૪

૭૮,૦૦૦

૨૫/૦૬/૨૦૨૪

૭૯,૦૦૦

૨૭/૦૬/૨૦૨૪


નિફ્ટીની વિક્રમી કૂચ

સપાટી

હાંસલ કર્યા તારીખ

૧૫,૦૦૦

૮/૨/૨૦૨૧

૨૦,૦૦૦

૧૧/૯/૨૦૨૩

૨૧,૦૦૦

૮/૧૨/૨૦૨૩

૨૨,૦૦૦

૨૦/૨/૨૦૨૪

૨૩,૦૦૦

૧૦/૬/૨૦૨૪

૨૪,૦૦૦

૨૭/૬/૨૦૨૪


Google NewsGoogle News