ટ્રમ્પના ટેરિફ યુદ્વના પગલે શેરબજારમાં ગાબડાં
- સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટ તૂટીને ૭૭૧૮૬: નિફટી ૧૨૧ પોઈન્ટ ગબડી ૨૩૩૬૧
- ફાઈનાન્સ, આઈટી, ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : સ્મોલ, મિડ કેપ ફરી તૂટયા
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૬૮૩, સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૭૫૦ પોઈન્ટ તૂટયો
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટના તેમના વચન મુજબ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલી કેનેડા, મેક્સિકો અને ચાઈના પર ટેરિફ વધારતાં અને તેના વળતાં જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકી આયાતો પર ટેરિફ વધારતાં અને હવે ટ્રમ્પે યુરોપીયન યુનિયનને ટેરિફની ચીમકી આપતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના ઊભા થયેલા જોખમે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં સુધારાનો દોર અટકી ગાબડાં પડવા લાગ્યા હતા. અમેરિકી ડોલર સામે આજે રૂપિયો ૫૭ પૈસા તૂટીને ૮૭.૧૯ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગયા સાથે ફોરેન ફંડોનું શેરોમાં હેમરિંગ વધતું જોવાયું હતું. ટ્રમ્પ હવે ગમે તે ઘડીએ ભારત પર ટેરિફનું શસ્ત્ર ઉગામશે એવી આશંકા અને એલ્યુમીનિયમ-સ્ટીલ, ઓઈલ-ગેસ સહિતની આયાતો પર એડીશનલ ટેરિફ લાગુ કરે એવી શકયતાએ આજે ફંડોએ કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, પાવર શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફરી ગાબડાં પડયા હતા.
અલબત ઓટો, ફાઈનાન્સ, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરો અને પસંદગીના આઈટી શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. મોડી સાંજે યુરોપના બજારોમાં કડાકા સાથે અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૫૫૦ પોઈન્ટથી વધુ કડાકો, નાસ્દાકમાં ૩૫૦ પોઈન્ટથી વધુ ઘટાડો બતાવાતો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સમાં ૨૬૮૩.૦૮ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ આરંભિક ૭૪૯.૮૭ પોઈન્ટના કડાકે નીચામાં ૭૬૭૫૬.૦૯ સુધી આવ્યા બાદ રિકવર થઈ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સહિતમાં આકર્ષણે આ ઘટાડો ઓસરતો જઈ અંતે ૩૧૯.૨૨ પોઈન્ટ ઘટીને ૭૭૧૮૬.૭૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આરંભમાં વધીને ૨૩૩૮૧.૬૦ સુધી પહોંચ્યા બાદ ૨૩૨૫૦ની સપાટી ગુમાવી ૨૬૦.૧૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૨૨૨ સુધી આવી અંતે ૧૨૧.૧૦ પોઈન્ટ ઘટીને ૨૩૩૬૧.૦૫ બંધ રહ્યો હતો. ઓટો કંપનીઓના વાહનોના વેચાણના ફેબુ્રઆરીના આંકડા સાથે બજેટમાં આવક વેરામાં રાહતથી ખર્ચપાત્ર આવક વધતાં વાહનોની ખરીદી વધવાનું આકર્ષણ જોવાયું હતું.
કેપિટલ ગુડઝ શેરો તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફોરેન ફંડો મંદીમાં આવ્યા હોય એમ વનસાઈડ મોટી વેચવાલી કરતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. સિમેન્સ રૂ.૫૧૯.૩૫ તૂટી રૂ.૫૨૩૧.૭૦, થર્મેક્સ રૂ.૨૮૯.૦૫ તૂટીને રૂ.૩૫૭૭.૧૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૩૬.૯૦ તૂટીને રૂ.૩૫૨૮.૮૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૬૦.૦૫ તૂટીને રૂ.૩૨૮૭.૨૫, સીજી પાવર રૂ.૨૬.૫૦ તૂટીને રૂ.૫૮૫.૪૫, ગ્રાઈન્ડવેલ રૂ.૮૨.૮૦ ઘટીને રૂ.૧૮૬૭.૨૫, હોનટ રૂ.૧૨૫૦.૭૫ તૂટીને રૂ.૩૮,૧૦૦, પાવર ઈન્ડિયા રૂ.૪૨૨.૫૫ તૂટીને રૂ.૧૧,૭૯૩.૦૫, શેફલર રૂ.૧૦૯.૯૦ તૂટીને રૂ.૩૩૩૮.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૬૮૩.૦૮ પોઈન્ટ તૂટીને ૫૯૮૯૮.૬૫ બંધ રહ્યો હતો.
સ્ટીલ શેરો ગબડયા
ચાઈના, કેનેડા, મેક્સિકો પર ટેરિફમાં વધારાથી એક તરફ ભારતમાં સ્ટીલ સહિતનું ચાઈનાનું ડમ્પિંગ વધવાનું જોખમ અને બીજી તરફ અમેરિકી પ્રમુખ ગમે તે ઘડીએ ભારતથી થતી આયાતોમાં સ્ટીલ, એલ્યુમીનિયમ સહિતની મેટલ પર એડીશનલ ટેરિફ જાહેર કરે એવી શકયતાએ મેટલ-માઈનીંગ શેરોમાં આજે ગાબડાં પડયા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૬૧.૦૭ પોઈન્ટ તૂટીને ૨૭૫૮૩.૬૨ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૯.૯૦ તૂટીને રૂ.૫૯૩.૨૦, નાલ્કો રૂ.૮.૨૦ તૂટીને રૂ.૧૮૯.૬૦, હિન્દાલ્કો રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૫૭૪.૬૫, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૧૫ તૂટીને રૂ.૧૪૯.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૪૩૨.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૩૧.૯૦, રહ્યા હતા.
આઈટી શેરોમાં ખરીદી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૬૨.૦૧ પોઈન્ટ વધીને ૪૧૬૨૨.૮૨ બંધ રહ્યો હતો. વિપ્રો રૂ.૮.૫૫ વધીને રૂ.૩૧૩.૫૦, સિગ્નિટી રૂ.૩૬.૨૫ વધીને રૂ.૧૪૭૩, ઈન્ફોસીસ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૮૬૩.૮૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૯૪.૩૫ વધીને રૂ.૫૫૦૪.૯૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ખરીદી
ઓટોમોબાઈલ કંપનીઓના ફ્રન્ટલાઈન શેરોમાં આજે ફંડોની ખરીદી સિવાય એકંદર વેચવાલી રહી હતી. જાન્યુઆરી મહિનાના વાહનોના વેચાણ આંકડા મિશ્ર જાહેર થયા સામે બજેટમાં આવક વેરા રાહતોથી ખર્ચપાત્ર આવક વધવાથી વાહનોની ખરીદી વધવાનું પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ટીવીએસ મોટર રૂ.૯૪ વધીને રૂ.૨૬૫૧.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૧.૨૦ વધીને રૂ.૩૧૭૧.૩૫, આઈશર મોટર્સ રૂ.૮૨.૬૦ વધીને રૂ.૫૪૭૦.૯૦, મારૂતી સુઝુકી રૂ.૧૯૩.૮૦ વધીને રૂ.૧૩,૧૧૫ રહ્યા હતા.
૨૮૭૭ શેરો નેગેટીવ બંધ
ટ્રમ્પના ટેરિફ યુદ્વને લઈ ક્યા ઉદ્યોગો, કંપનીઓ પર નેગેટીવ અસરની ધારણાએ નવી ખરીદીથી દૂર ઈન્વેસ્ટરો, ખેલંદાઓ ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૮૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૩૯ અને ઘટનારની સંખ્યા ૨૮૭૭ રહી હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
શેરોમાં ફરી વ્યાપક વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૩૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૯.૫૪ લાખ કરોડ રહ્યું હતું.
FIIની રૂ.૩૯૫૮ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં રૂ.૩૯૫૮.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૦૮.૨૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
યુરોપીયન યુનિયનને ટેરિફ ચીમકીએ યુરોપના શેર બજારોમાં ધબડકો : નિક્કી ૧૦૫૨ પોઈન્ટ તૂટયો
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં હવે યુરોપીયન યુનિયનના દેશોને ટેરિફની ચીમકી આપતાં યુરોપના દેશોના બજારોમાં આજે ગાબડાં પડયા હતા. લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૧૫ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૩૭૩ પોઈન્ટ અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૩૩ પોઈન્ટ તૂટયા હતા. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં પણ આજે જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૦૫૨.૪૦ પોઈન્ટ તૂટીને ૩૮૫૨૦.૦૯ રહ્યો હતો.