વિદેશી રોકાણકારો ચીન તરફ ડાયવર્ટ? છ દિવસમાં રૂ. 40000 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું
Stock Market Outlook: અઠવાડિયું બદલાઈ ગયું પરંતુ શેરબજારની સ્થિતિ જૈસે થૈ રહી છે. ગત સપ્તાહે સળંગ પાંચ દિવસ શેરબજાર તૂટ્યા બાદ આજે ફરી મોટા કડાકા સાથે રેડઝોનમાં બંધ રહ્યું હતું. ઈન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો જ્યારે નિફ્ટી પણ 230 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. છેલ્લા છ દિવસમાં રોકાણકારોના લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી 40 હજાર કરોડ સુધીનું રોકાણ પાછું ખેંચી ચૂક્યા છે.
રોકાણકારો ચીન તરફ ડાયવર્ટ
વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીનું એક કારણ ચીનનું રાહત પેકેજ છે. ચીને તેની અર્થવ્યવસ્થાને રિકવર કરવા માટે તાજેતરમાં એક મોટા રાહત પેકેજની જાહેરાત કરતાં એફઆઈઆઈ ભારતમાંથી ફરી પાછા ચીન તરફ ડાયવર્ટ થયા છે. બીજી તરફ ભારતીય શેરબજારો ઓવરબોટ થયા છે. જેથી રોકાણકારો ચીનના શેરબજારમાં નીચા મથાળે ખરીદી કરી આ રાહત પેકેજનો લાભ લેવા તત્પર બન્યા છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા, 689 શેર્સમાં લોઅર સર્કિટ
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA એ ભારતીય ઈક્વિટીમાં રોકાણ ઘટાડીને ચીનમાં તેનું રોકાણ વધાર્યું છે. CLSA એ જણાવ્યું હતું કે તે ભારત પર તેનું ઓવરવેઇટ 20% થી ઘટાડી 10% અને ચીન પર 5% કર્યું છે. વિદેશી કંપનીઓનું કહેવું છે કે ભારતીય ઈક્વિટી ત્રણ કારણોસર પ્રભાવિત થઈ રહી છે. તેમાં ક્રૂડના ભાવ, IPOની તેજી અને માર્કેટના વધુ પડતાં વોલ્યૂમ સામેલ છે. ફર્મના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારતે ચીન કરતાં 210% વધુ સારૂ પ્રદર્શન કર્યું છે. જેથી હવે તેની વેલ્યૂ ખૂબ ઉંચી થઈ છે. જો કે, દેશનો સ્કેલેબલ EM ગ્રોથ ખૂબ ઊંચો છે.
ચીનના માર્કેટમાં સુધારાનો લાભ
ચીનના શેરબજાર છેલ્લા બે-ત્રણ વર્ષથી ખરાબ પ્રદર્શન કર્યા બાદ હવે સુધરી રહ્યા છે. જેનો લાભ રોકાણકારો લેવા જઈ રહ્યા છે. જો કે, ઈન્વેસ્કો, જેપી મોર્ગન, એચએસબીસી અને નોમુરા હજી ચીનના આગામી પગલાં અને આર્થિક આંકડાઓ પર નજર રાખી નિર્ણય લેવા માગે છે.