શેરબજાર બે દિવસીય શુષ્ક માહોલ બાદ આજે ફરી તેજીમાં, મીડકેપ સ્મોલકેપ શેરોમાં આકર્ષક ઉછાળો
Stock Market Today: ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસમાં કોન્સોલિડેટ અર્થાત સંકોચાયા બાદ આજે ફરી ખીલી ઉઠ્યું છે. સેન્સેક્સ મોર્નિંગ સેશનમાં 253 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી શેર્સમાં ખરીદીનું પ્રમાણ વધતાં માર્કેટ ઉછળ્યું છે.
સેન્સેક્સ આજે 146.83 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 80213.38 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો. એચડીએફસી બેન્ક અને મારૂતિ સુઝુકી, અને આઈટીસીના શેર્સમાં વોલ્યૂમના પગલે સેન્સેક્સમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે. સવારે 10.30 વાગ્યે સેન્સેક્સ 170.31 પોઈન્ટ ઉછળી 80130.69 અને નિફ્ટી 32.70 પોઈન્ટના ઉછાળા સાથે 24353.25 પર કારોબાર થઈ રહ્યો છે.
છેલ્લા એક વર્ષમાં મીડકેપ 65 ટકા અને સ્મોલકેપ 39 ટકા વધ્યો
લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં મીડકેપ 65 ટકા વધ્યો છે. જે 11 જુલાઈ-23ના રોજ 28927.17ના વાર્ષિક તળિયે હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ પણ મજબૂત તેજી સાથે આજે 75 પોઈન્ટ વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે તેના વાર્ષિક તળિયેથી એક વર્ષમાં 39.42 ટકા ઉછળ્યો છે. લાર્જકેપ પણ આજે 9583 પોઈન્ટની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. જે તેના વાર્ષિક તળિયેથી નવ માસમાં 34.25 ટકા વધ્યો છે.
સોનાની કિંમતમાં આજે થયો ઘટાડો, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો,જાણો અમદાવાદમાં લેટેસ્ટ ભાવ
સેક્ટોરલ ઈન્ડેક્સઃ આજે ઓટો-ફાર્મા શેરોમાં સુધારા તરફી જ્યારે આઈટી, ટેક્નો શેર્સમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટ ખૂલતાંની સાથે એનર્જી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, મીડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જો કે, બાદમાં એનર્જી શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. ઓટો ઈન્ડેક્સ 1.09 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.25 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.