સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 23800ની મહત્ત્વની સપાટી ક્રોસ કરી, 266 શેર્સમાં અપર સર્કિટ
Stock Market Today: ગત સપ્તાહે 4000થી વધુ પોઈન્ટના ગાબડાં બાદ આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો. જે 11.00 વાગ્યે 773.48 પોઈન્ટ ઉછળી 78815.07 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ તેની 23800ની ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.
બેન્કિંગ-મેટલ શેર્સમાં આકર્ષક ઉછાળો
ભારતીય શેરબજારમાં આજે બેન્કિંગ અને મેટલ શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્ક 1.60 ટકા અને ટાટા સ્ટીલ 1.50 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રિયાલ્ટી અને મેટલ ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે. જિન્દાલ સ્ટીલ, SAIL, JSW સ્ટીલ, નેશનલ એલ્યુમિનિયમ 3 ટકા સુધી ઉછાળે ટ્રેડેડ હતો. એફએમસીજી ઈન્ડેક્સ છેલ્લા ત્રણ માસમાં 16 ટકા તૂટ્યો હતો. જે આજે રિકવરી મોડ પર જોવા મળ્યો હતો. જે આઈટીસી, નેસ્લે અને વરૂણ બેવરેજીસ સહિતના શેર્સમાં ઉછાળા સાથે આજે મોર્નિંગ સેશનમાં 1 ટકા સુધી સુધર્યો છે. મીડકેપ ઈન્ડેક્સ સુધારા તરફી અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે, ક્રિસમસ વેકેશનના કારણે એફઆઈઆઈની વેચવાલીનો દોર ચાલુ રહેવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
માર્કેટ બ્રેડ્થમાં સાવચેતીનું વલણ
શેરબજારમાં વર્ષના અંતિમ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4003 શેર્સ પૈકી 1872 શેર્સ સુધારા તરફી અને 1900 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે મોર્નિંગ સેશનમાં 268 શેર્સમાં અપર સર્કિટ અને 257 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. 185 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા છે. પરંતુ માર્કેટ બ્રેડ્થ હજી સાવેચતીની રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે માર્કેટમાં વોલેટિલિટી વધુ છે. નિફ્ટી વોલેટિલિટી ઈન્ડેક્સ આજે 9 ટકા તૂટી 13.78 પર ટ્રેડ થઈ રહ્યો હતો.