ભડકે બળતું શેરબજાર : બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 346.47 લાખ કરોડની નવી ટોચે
- છેલ્લા સાત દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સેલરમાંથી બાયર બન્યા
- 29 નવેમ્બરે પ્રથમ વખત બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને ચાર ટ્રિલિયન ડોલર (રૂ.334.72 લાખ કરોડ)ને પાર થયું હતું
- સોમવારે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 343.48 લાખ કરોડ હતું જે રૂ. 2.99 લાખ કરોડ વધીને રૂ.346.47 લાખ કરોડ થયું
નવી દિલ્હી : શેરોમાં વ્યાપક તેજીએ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રેકોર્ડ રૂ.૩૪૬.૪૭ લાખ કરોડને પાર કરી ગયું છ. વિદેશ ફંડોની જંગી ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફટી પણ નવી સપાટીએ બંધ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૪૩.૪૮ લાખ કરોડ રૂપિયા હતું જે આજે ૨.૯૯ લાખ કરોડ રૂપિયા વધીને ૩૪૬.૪૭ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે ૨૯ નવેમ્બરે પ્રથમ વખત બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલર (૩૩૪.૭૨ લાખ કરોડ રૂપિયા)ને પાર થઇ ગયું હતું.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે ૨૦૭૩.૨૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતાં. છેલ્લા છ દિવસમાં રોકાણકારોની સંપત્તિ વધીને ૧૭.૭૫ લાખ કરોડ થઇ છે. એનાલિસ્ટોના જણાવ્યા અનુસાર છેલ્લા સાત દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો નેટ સેલરમાંથી નેટ બાયર બની ગયા હતાં. જે ભારતીય બજારમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.
વિશ્વલેષકોનું કહેવું છે કે ભારતની મજબૂત અર્નિંગ કમાણી, મેક્રો સ્થિરતા અને સ્થાનિક પ્રવાહ તેને એક મજબૂત બજાર બનાવે છે.
તાજેતરમાં ગોલ્ડમેન સેશ, જેપી મોર્ગન, મોર્ગન સ્ટેનલી અને સીએલએસએ સહિત લગભગ અડધા ડઝન વિદેશી બ્રોકરેજોએ વિકાસશીલ બજારો અને એશીયા પેસેફિક બાસ્કેટમાં ભારતને વધુ ફાળવણીની ભલામણ કરી છ.
ભારતીય શેરબજારની ચાર ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપની સફરની વાત કરીએ તો મે ૨૦૦૭માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પહેલી વખત ૧ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. જો કે ત્યારબાદ બે ટ્રિલિયન ડોલર સુધી પહોંચતા દસ વર્ષનો સમયગાળો લાગી ગયો હતો અને જુલાઈ ૨૦૧૭માં આ સપાટી જોવા મળી હતી.
વિવિધ કંપનીઓના ઉમેરા સાથે મે ૨૦૨૧માં માર્કેટ કેપ વધી ત્રણ ટ્રિલિયન ડોલર પર પહોંચી હતી. જો કે ત્યારબાદની એક ટ્રિલિયન ડોલરની સફર અઢી વર્ષમાં પાર કરીને હવે ચાર ટ્રિલિયન ડોલરની સિદ્ધિ હાંસલ કરી છે.