Stock Market Crash: શેરબજાર પત્તાના મહેલની જેમ વિખેરાયુ, જાણો કડાકાના મુખ્ય કારણો
Stock Market Crash: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલને ખોટો ઠેરવતાં શેરબજાર આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થયુ હતું. સેન્સેક્સમાં એક તબક્કે 6200 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. રોકાણકારોએ એક દિવસમાં સૌથી વધુ રૂ. 46 લાખ કરોડ ગુમાવ્યા હતા. પીએસયુ, ટાટા, અદાણી, અને રિલાયન્સ ગ્રુપના શેરોમાં મોટા ગાબડાં નોંધાયા છે. જાણો આજે શેરબજારમાં કડાકા પાછળના કારણો....
પહેલું કારણ - એક્ઝિટ પોલના અંદાજો ખોટા ઠર્યા
મંગળવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોમાં મુખ્ય કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની એનડીએને અપેક્ષિત બેઠક ન મળી હોવાનું છે. એક્ઝિટ પોલના અંદાજોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361-401 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ પરિણામના દિવસે સમાચાર લખાયા ત્યાં સુધી એનડીએ 294 બેઠકો પર લીડ કરતી જોવા મળી છે. એક્ઝિટ પોલના અંદાજો ખોટા ઠરતાં રોકાણકારો નિરાશ થયા છે.
બીજું કારણ- ભાજપ પાસે પૂર્ણ બહુમતી નથી!
શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ ચૂંટણી પરિણામો સાથે સંકળાયેલું છે. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા, તેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ જ્યારે મંગળવારે મતો શરૂ થયા ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા નથી. તેની અસર શેરબજારમાં ઘટાડા સ્વરૂપે પણ જોવા મળી હતી અને જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ શેરબજારમાં ઘટાડો પણ સતત વધતો જણાતો હતો.
ત્રીજું કારણ- વિદેશી રોકાણકારોની ઉદાસીનતા
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ઉદાસીનતા સતત દેખાઈ રહી છે અને તે સતત વધી રહી છે. તમે તેનો અંદાજો લગાવી શકો છો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી 25,586 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં આ આંકડો રૂ. 8700 કરોડ હતો. લગભગ બે દાયકા પછી FPI દ્વારા આટલો મોટો ઉપાડ કરવામાં આવ્યો છે. NSDLના ડેટા અનુસાર, વર્ષ 2004માં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી 3248 રૂપિયા પાછા ખેંચ્યા હતા.
ચોથું કારણ- રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડ્યું
એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થતા નથી, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને વિદેશી રોકાણકારોની ઉદાસીનતાએ શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી છે. મંગળવારે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને રિલાયન્સથી લઈને ટાટા, અદાણીથી લઈને એસબીઆઈ સુધીના શેર તૂટ્યા હતા. તેમાં 18 થી 23 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય બજારના ઘટાડા માટે રોકાણકારોના અવ્યવસ્થિત સેન્ટિમેન્ટને પણ એક કારણ ગણી શકાય.