શેરબજાર નવી ટોચે : રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો
- વિદેશી રોકાણકારોની રૂ. 1086 કરોડની લેવાલી
- કામકાજના અંતે સેન્સેક્સ 759 પોઇન્ટ અને નિફ્ટી 203 પોઇન્ટ ઉછળ્યા
અમદાવાદ : ભારતીય શેરબજાર ખાતે આજે એક નવો વિક્રમ સર્જાયો હતો. વૈશ્વિક સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં બિઝનેસ સાહસિકો ભારત માટે 'સુપર બુલિશ' હોવાનો મત દર્શાવતા આજે ફંડો તેમજ ખેલાડીઓની નવી લેવાલી પાછળ આઇ.ટી. શેરોની આગેવાની હેઠળ તેજીનો ઘોડો પૂરપાટ દોડતા બીએસઇ સેન્સેક્સે પ્રથમ વખત ૭૩,૦૦૦ની સપાટી અને એનએસઇ નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી કૂદાવીને નવા વિક્રમની રચના કરી હતી. સેન્સેક્સના ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩ લાખ કરોડનો વધારો થયો હતો.
તાજેતરમાં પૂર્ણ થયેલ વાઇબ્રન્ટ સમિટમાં મોટા પાયે વિદેશી રોકાણ થયાના અહેવાલોની સાથોસાથ ભારતનું અર્થતંત્ર અન્ય વિકસિત દેશોની તુલનાએ ઝડપથી આગળ વધ્યું હોવાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત આજે વૈશ્વિક સંસ્થા દ્વારા હાથ ધરાયેલ એક સર્વેમાં વિશ્વભરના બિઝનેસ સાહસિકો ભારત માટે 'સુપર બુલિશ' હોવાનો મત દર્શાવ્યાના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી.
આ અહેવાલો પાછળ આજે નવા સપ્તાહના પ્રારંભે મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઉછાળા સાથે જ થતાં સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી ઉપર જ ખૂલી ચોમેરની લેવાલી પાછળ ઝડપથી આગળ વધ્યો હતો. જે ઇન્ટ્રા-ડે વધીને ૭૩,૪૦૨.૧૬ની નવી ઓલટાઇમ હાઇ સપાટીની રચના કરી કામકાજના અંતે ૭૫૯.૪૯ પોઇન્ટ વધીને ૭૩,૩૨૭.૯૪ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ આજે ૨૨,૦૦૦ની સપાટી કૂદાવીને ખૂલ્યા બાદ ઝડપથી આગળ વધીને ઇન્ટ્રા-ડે ૨૨,૧૧૫.૫૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટી રચી કામકાજના અંતે ૨૦૨.૯૦ પોઇન્ટ ઉછળીને ૨૨,૦૯૭.૪૫ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ તેજીના પગલે આજે રોકાણકારોની સંપત્તિ એટલે કે, 'બીએસઇ માર્કેટ કેપ' રૂ. ૨.૮૦ લાખ કરોડ વધીને રૂ. ૩૭૬.૦૯ લાખ કરોડની નવી ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૧૦૮૬ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૮૨૧ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
સેન્સેક્સના ઉંચા મથાળા
સપાટી |
હાંસલ થયા તારીખ |
૬૯,૦૦૦ |
૫ ડિસે. ૨૦૨૩ |
૭૦,૦૦૦ |
૧૧ ડિસે. ૨૦૨૩ |
૭૧,૦૦૦ |
૧૫ ડિસે. ૨૦૨૩ |
૭૨,૦૦૦ |
૨૭ ડિસે. ૨૦૨૩ |
૭૩,૦૦૦ |
૧૫ જાન્યુ. ૨૦૨૪ |