Lok Sabha Elections Results: સેન્સેક્સમાં 6200 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના 46 લાખ કરોડ ધોવાયા
Adani Stocks crash: સેન્સેક્સ 12 વાગ્યે 6234.35 પોઈન્ટના કડાકા સાથે 70 હજારના લેવલે પહોંચ્યો છે. નિફ્ટી 1603.70 પોઈન્ટના ગાબડાં સાથે 21481.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોએ 46 લાખ કરોડની મૂડી ગુમાવી હતી. બીએસઈ ખાતે ટોપ લૂઝર્સમાં અદાણી ગ્રૂપના શેર્સ જોવા મળ્યા છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ 18.25 ટકા, અદાણી ગ્રીન 16.01 ટકા, અદાણી પાવર 15.96 ટકાના કડાકા સાથે ટોપ લૂઝર્સ રહ્યા છે. અંબુજા સિમેન્ટ 18.21 ટકા, એસીસી 14.02 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝિસ 19.48 ટકા તૂટ્યા હતા. લોકસભા ચૂંટણી પરિણામોની મતગણતરીમાં ભારે રસાકસી શેરબજારમાં પણ જોવા મળી છે.
એક્ઝિટ પોલના ધાર્યા પરિણામ હજુ સુધી જોવા ન મળતાં શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોના 46 લાખ કરોડ ધોવાયા છે. બીએસઈ ખાતે 3753 સ્ક્રિપ્સ પૈકી 339 શેર્સ સુધારા તરફી, જ્યારે 3324 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. 105 શેર્સ વર્ષની ટોચે અને 184 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. આજે 638 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 89 શેર્સમાં અપર સર્કિટ વાગી છે.
અદાણી ગ્રૂપના શેરોમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળાના પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં બમ્પર વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ગૌતમ અદાણીની નેટવર્થ 11.6 અબજ ડોલર વધી હતી. આ સાથે બે દિવસ પહેલાં જ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર પાછળ ચાલી રહ્યા હોવાથી શેરબજારમાં સાર્વત્રિક મોટા કડાકા નોંધાયા હતા. લોકસભા ચૂંટણી 2024ની 543 બેઠકોના વલણો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં 298 બેઠકો પર એનડીએ અને INDIA ગઠબંધન 226 બેઠકો પર લીડ કરી રહ્યો છે. જેથી શેરબજારમાં મોટા કડાકા જોવા મળ્યા છે. અદાણી ગ્રૂપની તમામ સ્ક્રિપ્સ 20 ટકા સુધી તૂટી હતી. રિલાયન્સનો શેર 10 ટકા લોઅર સર્કિટે સ્પર્શ્યો હતો. જો કે, બાદમાં 5.47 ટકા તૂટી 2856.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણી ગ્રૂપના શેરોની સ્થિતિ (ભાવ 12.00 વાગ્યા સુધીમાં)