શેરબજાર સળંગ પાંચમા દિવસે કડડભૂસ, સેન્સેક્સ 80000 અંદર, વૈશ્વિક બજારોમાં પણ નબળાઈ
Stock Market Today: શેરબજાર સળંગ પાંચમા દિવસે ઘટ્યા છે. સ્થાનિક સ્તરે બજેટમાં અપેક્ષાથી વિપરિત્ત જાહેરાતો બાદ વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 671 પોઈન્ટ જ્યારે નિફ્ટીએ પણ 24300ની ટેકાની સપાટી ગુમાવી હતી.
આજે સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 671.05 પોઈન્ટ તૂટી 79477.83 થયો હતો. 10.47 વાગ્યે 391.51 પોઈન્ટ ઘટાડે 79757.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 10.47 વાગ્યે 100.25 પોઈન્ટ તૂટી 24313.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ ઘટી હતી.
માર્કેટ બ્રેડ્થ સાવચેતીની
સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3738માંથી 1823 શેર્સ સુધારા તરફી અને 1774 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 183 શેર્સ વર્ષની ટોચે અને 11 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 263 શેર્સમાં અપર સર્કિટ અને 150 શેર્સ લોઅર સર્કિટ વાગી હતી. એશિયાઈ બજારોમાં નિક્કેઈ 1170.22 પોઈન્ટ (2.98 ટકા) , KOSPI 1.40 ટકા, હેંગસેંગ 1.65 ટકા અને શાંઘાઈ 0.63 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. યુરિપિયન માર્કેટમાં FTSE 13.68 પોઈન્ટ ઘટ્યો છે. ગઈકાલે ડાઉજોન્સ 504.22 પોઈન્ટ, નાસડેક 3.64 ટકા, અને એસએન્ડપી 500 128.61 પોઈન્ટ ઘટાડે બંધ રહ્યો હતો.
અંબાણી કરતા પણ મોંઘી પાર્ટી આપી હતી આ વ્યક્તિએ, વિરોધ થતાં દેશ છોડીને ભાગવું પડયું હતું
બેન્કિંગ-મેટલ શેર્સ ઘટ્યા
બજેટમાં કોઈ ખાસ જાહેરાત ન કરવામાં આવતાં તેમજ અવિરત તેજીમાં પ્રોફિટ બુકિંગનો દોર શરૂ થતાં બેન્કિંગ અને મેટલ શેર્સ આજે તૂટ્યા હતા. બીએસઈ ખાતે કોટક બેન્ક અને એચડીએફસી બેન્ક સિવાય મોટાભાગની બેન્કોના શેર્સ તૂટ્યા હતા. જેમાં એક્સિસ બેન્ક સૌથી વધુ 6.62 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.47 ટકા, યસ બેન્ક 1.20 ટકા અને એસબીઆઈ 1.05 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યા હતા. મેટલ શેર્સમાં પણ રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા હતા.
માર્કેટમાં ઘટાડાનું કારણ
અમેરિકી બજારોમાં બુધવારે મોટાપાયે વેચવાલીનું પ્રેશર જોવા મળતાં નાસડેક 2024માં પ્રથમ વખત 3.64 ટકાથી વધુ તૂટ્યો હતો. જેના સથવારે એશિયાના લગભગ તમામ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને આઈટી સેગમેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ખરાબ પરિણામો આવતાં તેમજ નેગેટિવ સમાચારના કારણે શેર્સમાં મોટો કડાકો નોંધાયો હતો. બીજી તરફ ભારતમાં પણ બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં પ્રસ્તાવિત વધારાની નેગેટિવ અસર જોવા મળી છે.