સેન્સેક્સ 896 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 25000નું લેવલ તોડ્યું, ટેલિકોમ અને પીએસયુ શેર્સ ગગડ્યા
Stock Market Today: શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકડ્યું છે. વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે આજે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો. સેન્સેક્સ 896.7 પોઈન્ટ તૂટી 81304.46 થયો હતો. જે 10.35 વાગ્યે 790.56 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી50એ મહત્ત્વની સપાટી ગુમાવી
નિફ્ટી50એ તેજી માટે અતિ મહત્ત્વની 25000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. માર્કેટ ખુલતાંની થોડી જ ક્ષણોમાં નિફ્ટી 265.65 પોઈન્ટ તૂટ્યો હતો. 10.37 વાગ્યે 228.30 પોઈન્ટના ઘટાડે 24916.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 ખાતે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. માત્ર 5 સ્ક્રિપ્સ જ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહી હતી, અન્યમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
પીએસયુ-ટેલિકોમ શેર્સમાં ગાબડું
પીએસયુ શેર્સમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 59 શેર્સમાંથી માત્ર 3 શેર્સ જીએમડીસી (2.38 ટકા), એનએલસી ઈન્ડિયા (0.41 ટકા), રાઈટ્સ (0.31 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. અન્ય તમામમાં મોટા ગાબડા જોવા મળ્યા હતા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં ઓઈલ કંપનીઓના શેર્સ તૂટ્યા છે. મઝગાંવ ડોક 3.33 ટકા, ઓઈલ 3.50 ટકા, આઈઓસી 3.28 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ડીમેટ ખાતાની સંખ્યા 17 કરોડને પાર, 2024માં મહિને સરેરાશ 40 લાખનો ઉમેરો
ટેલિકોમ ઈન્ડેક્સ આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 3.43 ટકાના કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. જેમાં સૌથી મોટુ ગાબડું દેશની ટોચની બીજા નંબરની ટેલિકોમ કંપની વોડાઆઈડિયાના શેર્સમાં (13 ટકા) નોંધાયું છે. આ સિવાય ઈન્ડસ ટાવર 5.80 ટકા, એમટીએનએલ 3.16 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક દિવસથી ટેલિકોમ ઈન્ડેક્સ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું હતું.
માર્કેટમાં કડાકા પાછળનું કારણ
વૈશ્વિક શેરબજારોના સથવારે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની વકી નિષ્ણાતો આપી રહ્યા છે. જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે. માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગેકૂચ કરી રહ્યું હતું. જેના લીધે ઘણા શેર્સ ઓવર વેલ્યૂએશન ધરાવી રહ્યા છે. વોલ્યૂમ પણ વધ્યા છે. પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યુ છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.