શેરબજાર સળંગ ચોથા દિવસે રેડ ઝોનમાં બંધ, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, જાણો સ્થિતિ
Stock Market Closing bell: શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં સળંગ ચોથા દિવસે ઘટાડે બંધ રહ્યા છે. ફાર્મા, મેટલ અને હેલ્થકેર સિવાય મોટાભાગના તમામ શેરોમાં કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડી 1.73 લાખ કરોડ ઘટી છે. જ્યારે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોએ 5.17 લાખ કરોડ ગુમાવ્યા છે.
લોકસભા ચૂંટણી પરિણામના દિવસો નજીક આવી રહ્યા છે, બીજી બાજુ આવતીકાલે એફએન્ડઓ સેટલમેન્ટના કારણે રોકાણકારો પ્રોફિટ બુકિંગ અને સોદાઓ સેટલ કરી રહ્યા હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા છે.
સેન્સેક્સ આજે 667.55 પોઈન્ટ તૂટી 74502.90 પર અને નિફ્ટી 183.45 પોઈન્ટ તૂટી 22704.70 પર બંધ રહ્યો છે. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ 0.55 ટકા અને 0.43 ટકા સુધારે બંધ રહ્યા છે. મેટલ પણ 0.27 ટકાના નજીવા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે અન્ય તમામ સેગમેન્ટમાં વેચવાલીનું પ્રેશર નોંધાયુ હતું.
માર્કેટ બ્રેડ્થ નેગેટીવ
બીએસઈ ખાતે આજે 2133 શેર્સ ઘટ્યા હતા. જ્યારે 1685 શેર્સ સુધર્યા હતા. 287 શેર્સમાં લોઅર સર્કિટ અને 253 શેર્સમાં અપર સર્કિટ ઉપરાંત સેન્સેક્સ પેકમાં સામેલ 30 શેર્સમાંથી માત્ર 6 શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
રોકાણકારોની નજર આ પરિબળો પર
યુએસના કોર PCE આંકડા, ભારતના જીડીપી આંકડા અને ઓટો સેલ્સ સહિત મહત્વના આંકડાઓ આ 31 મે સુધી જારી થવાના છે. જેના પર નજર રાખતાં રોકાણકારોએ હાલ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે. યુએસ ફેડ રેટ કટની આશંકાઓ વધી છે. ફાઈનાન્સિયલ, આઈટી, અને બેન્કિંગ શેરોમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જારી થાય ત્યાંસુધી માર્કેટમાં વોલેટિલિટી રહેવાની શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે.
(નોંધઃ આ લેખ માત્ર માહિતી માટે છે. રોકાણની સલાહ આપતો નથી, રોકાણ માટે તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)