Stock Market Closing: સેન્સેક્સ વધ્યા મથાળેથી 984 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી
Image: FreePik |
Stock Market Closing: સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં 2094.5 પોઈન્ટનું ગાબડું નોંધાવ્યા બાદ આજે વધુ 454.69 પોઈન્ટ તૂટી 72488.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 152.05 પોઈન્ટ ઘટી 21995.85 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ આજે પોઝિટીવ નોટ પર ખૂલ્યા બાદ 450.40 પોઈન્ટ સુધરી 73135.43ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જ્યાંથી વેચવાલીનું પ્રેશર વધતાં વધ્યા મથાળેથી 984 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટીએ 22 હજારની સાયકોલોજિકલ સપાટી તોડી છે. જો આગામી એક-બે સેશનમાં 22 હજારની અંદર બંધ આપે તો મંદી વધવાનું જોખમ નિષ્ણાતોએ દર્શાવ્યું છે.
ચાર ટ્રેડિંગ સેશનમાં 9 લાખ કરોડનું ધોવાણ
બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં આજે વેચવાલીનું જોર વધતાં ઈન્ડેક્સ 1 ટકાથી વધુ તૂટ્યા હતા. સતત છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી 9 લાખ કરોડથી વધુ ઘટી છે. બીજી બાજુ ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો છે. સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ, પાવરગ્રીડ, ઈન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો સિવાય તમામ 26 શેરો રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પડકારો યથાવત છે. બીજી બાજુ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટમાં વિલંબ થવાની જાહેરાત થતાં ડોલર વધુ મજબૂત બન્યો છે. જે વિદેશી રોકાણકારોની વેચવાલીનું કારણ બન્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા ત્યારે FTSE સહિત મોટાભાગના યુરોપિયન શેરબજારો સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. ઈરાનિયન ઓઈલ વિરૂદ્ધ કોઈ મંજૂરી ન મળવાની આશાવાદ સાથે બ્રેન્ટ ક્રૂડ 1 ટકા ઘટી 86 ડેલર પ્રતિ બેરલ થયું હતું.
મોતિલાલ ઓસ્વાલના સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, હાલ કોઈ મોટા સકારાત્મક પરિબળોની ગેરહાજરીમાં શેરબજાર વોલેટાઈલ રહેવાની શક્યતા છે. રોકાણકારોએ પરિણામોની સિઝનમાં સ્ટોક સ્પેસિફિક વલણ અપનાવવા પર ફોકસ કરવુ જોઈએ. વૈશ્વિક સ્તરે રોકાણકારો અમેરિકાના ઘર વેચાણના આંકડા પર નજર રાખશે.