સેન્સેક્સ-નિફ્ટી ફરી કડડભૂસ, બજારમાં રોકાણકારો નિરાશ, શું અમેરિકાને કારણે બોલાયો કડાકો?
સેન્સેક્સ ઓપન થતાં 650 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઇન્ટ સુધીનો કડાકો બોલાયો
image : Pixabay |
Stock Market Crash news | સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલાઈ ગયો. બજાર ખુલતાની સાથે જ બજારના બંને ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો તો બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટીમાં પણ 21,600થી નીચે ટ્રેડ થઇ રહી છે.
પેટીએમ ફરી કડડભૂસ
આ દરમિયાન આરબીઆઈની કડકાઈનો સામનો કરી રહેલી ફિનટેક ફર્મ પેટીએમના શેરમાં આજે પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. Paytm ની પેરેન્ટ કંપની One97 Communicationનો શેર 9 ટકાથી વધુ ઘટીને નવા નીચા સ્તરે આવી ગયો છે.
સેન્સેક્સમાં મોટો ઘટાડો
BSE સેન્સેક્સ મંગળવારે 71,555.19 ના સ્તર પર બંધ થયો હતો, પરંતુ બુધવારે તે 500થી વધુ પોઈન્ટ્સ ઘટીને 71,035 ના સ્તર પર ખુલ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં આ ઘટાડો વધીને 600 પોઈન્ટ થઈ ગયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 652.62 પોઈન્ટ ગગડી 70,902.56 ની સપાટીને સ્પર્શી ગયો હતો.
નિફ્ટીની પણ નબળી શરૂઆત
માત્ર સેન્સેક્સ જ નહીં નિફ્ટી-50 પણ મજબૂત કડાકો બોલાયો. નિફ્ટી 177.50 પોઈન્ટ એટલે કે 0.82 ટકાના ઘટાડા સાથે 21,565.80 પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં તેમાં 180.65 પોઈન્ટનો જંગી કડાકો નોંધાઇ ગયો હતો અને તે 21,562.60ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.
કડાકાનું શું કારણ હોઈ શકે?
ભારતીય શેરબજારમાં કડાકાની આ સ્થિતિ પાછળનું કારણ અમેરિકા મનાય છે. અમેરિકામાં કોર ફુગાવાના દરના આંકડા અનુમાન મુજબ આવ્યા નથી અને તેના કારણે અમેરિકી માર્કેટ પણ ખરાબ રીતે ગબડ્યું હતું જેની અસર અહીં પણ જોવા મળી છે.