શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સમાં 830 તો નિફ્ટીમાં 247 પોઇન્ટનો કડાકો, રોકાણકારો નિરાશ
Stock Market Crash: શેરબજારમાં ફરી એકવાર રોકાણકારો નિરાશ થયા કેમ કે વેપાર માટેના નવા અઠવાડિયાની શરુઆત જ ખરાબ રહી છે. સોમવારે શેરબજાર(Stock Market Crash)માં જોરદાર કડાકો બોલાયો. સેન્સેક્સ મોટા કડાકા સાથે 834 પોઇન્ટ ઘટીને 76,567 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પર ખુલતાંની સાથે જ 247 પોઇન્ટ તૂટ્યો હતો.
કયા શેરમાં ઉથલપાથલ મચી?
ઉલ્લેખનીય છે કે માર્કેટ ઓપન થાય તે પહેલાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ઘટાડાના સંકેતો મળી ગયા હતા. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ શેરબજારના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા હતા. જોકે આજે બજારમાં કડાકા વચ્ચે ઝોમેટોના શેર સૌથી વધુ તૂટ્યા, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બૅંકના શેરમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી.
સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યો
સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 76,629.90 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 77,378.91 થી 749.01 પોઇન્ટ ઘટીને 76,535ના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ તેના અગાઉના 23432.50ના બંધ સ્તરથી નીચે આવીને 23195.40 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે 247 પોઇન્ટ ઘટીને 23172.70 સુધી પહોંચી ગયો હતો.