શેરબજારમાં ધબડકો : રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.60 લાખ કરોડનું ધોવાણ
- સેન્સેક્સ - નિફ્ટીમાં જૂન, 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો
- વિદેશી રોકાણકારોની રૂ. 10,578 કરોડની જંગી વેચવાલી તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 4,006 કરોડની ખરીદી કરી
અમદાવાદ : નવા સપ્તાહના પ્રારંભે ભારતીય શેરબજારમાં તેજીનો એક નવો તબક્કો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૩,૦૦૦ અને ૨૨,૦૦૦ની ઐતિહાસિક ઉંચી સપાટીને આંબી ગયા બાદ બે દિવસ પછી આજે ઇરાનના પાકિસ્તાન પરના મિસાઇલ હુમલા સાથે વૈશ્વિક જીઓ-પોલિટિકલ ટેન્શન વધવાની ગણતરી, ચીનના અર્થતંત્રની વૃદ્ધિ રૃંધાવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી હાથ ધરાયેલ જંગી વેચવાલીના પગલે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં ૧૬૨૮ અને એનએસઇના નિફ્ટીમાં ૪૬૦ પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૪.૬૦ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું.
ઇરાન દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યા હોવાના નિર્દેશોએ જીયો- પોલિટીકલ અસ્થિરતા વધુ વણસવાની ભીતિએ વૈશ્વિક સ્તરે શેરબજાર ઘટયા હતા. ચીનના અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રવર્તતી નિરાશા, અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડ યીલ્ડ ફરી ચાર ટકાની ઉપર નીકળતા અને ડોલર ઇન્ડેક્સ ૧૦૩.૫૦ની સપાટીની ઉપર નીકળતા તેની પણ અવળી અસર વૈશ્વિક ઇક્વિટી માર્કેટ પર થઈ હતી. બોન્ડ યીલ્ડમાં થયેલી વૃદ્ધિથી નજીકના ભવિષ્યમાં અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનું પગલું ભરાશે નહીં એવી અપેક્ષા વધી હતી. વધુમાં યુરોપના આર્થિક ડેટા પણ નબળા રહેતાં યુરોપના શેરબજાર એક ટકા કે તેનાથી વધુ નરમ હતા. ચીનની આર્થિક સ્થિતિ નબળી રહેતાં એપલ અને ટેસ્લા જેવા શેરો સેફ હેવન યાદીમાંથી દૂર કરવાના અહેવાલોએ પણ નરમાઇને ટેકો આપ્યો હતો.
ગઈ કાલે બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંકે સારા પરિણામો જાહેર કરવા છતાં બજારની અપેક્ષાથી ઉણા ઉતર્યા હતા. બેંકના પરિણામોમાં બીજા ત્રિમાસિકની તુલનાએ નેટ નફામાં ૨.૫ ટકા અને ચોખ્ખી વ્યાજ આવકમાં ૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે નેટ વ્યાજ માર્જિન સ્થિર ૩.૭ ટકા મેળવ્યાના અહેવાલોને એનાલિસ્ટોએ નેગેટિવ ગણાવતા આજે એચડીએફસી બેંકના શેરમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા કડાકો બોલી ગયો હતો. તેની પાછળ અન્ય બેંકના શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
એચડીએફસી બેન્કનો શેરનો ભાવ ૮.૫ ટકા ઘટીને ૧૫૩૬.૯૦ બંધ રહ્યો હતો, જેને કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ.એક લાખ કરોડથી મોટું ગાબડું પડયું હતું. માર્કેટ કેપ રૂ.૧૧.૬૭ લાખ કરોડના સ્તરે ગબડયું હતું. કોરોના પછી શેરના ભાવમાં સૌથી મોટું ગાબડું પડયું હતું. માર્ચ-૨૦૨૦માં શેરમાં ૮.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ અહેવાલો પાછળ આજે સેન્સેક્સમાં ટકાવારીની દ્રષ્ટિએ ૧૩ જુન ૨૦૨૨ પછીનો સૌથી મોટો કડાકો બોલાયો હતો. ૧૮ મહિના પહેલાં સેન્સેક્સ ૨.૭ ટકા તૂટયો હતો, જે પછી બુધવારે ૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આંકમાં નવેમ્બર ૨૦૨૧એ નોંધાયેલા ૧૬૮૮ પછીનો બીજો મોટો ૧૬૨૮ પોઇન્ટનો ઘટાડો જોવાયો હતો. સેન્સેક્સમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૯૭૩ પોઇન્ટનો જોવાયેલો ઊછાળો માત્ર બે જ દિવસમાં ૧૮૨૮ પોઇન્ટના ઘટાડામાં ઘોવાઈ ગયો હતો. આજે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧૬૯૯ ગબડીને ૭૧૪૨૯ સુધી ખાબક્યા બાદ કામકાજના અંતે ૧૬૨૮.૦૧ પોઇન્ટ ગબડીને ૭૧૫૦૦.૭૬ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
બીજી તરફ નિફ્ટીમાં પણ ૧૮ મહિનાનો સૌથી મોટો ઘટાડો ૨.૩ ટકાનો રહ્યો હતો અને ૪૬૦.૩૫ પોઇન્ટ ઘટી ૨૧,૫૭૧.૯૫ બંધ રહી હતી. બેન્કિંગ શેરોમાં આવેલા ધોવાણને કારણે બેન્ક નિફ્ટી ૪.૩ ટકા એટલે કે ૨,૦૬૧ પોઇન્ટ ઘટી હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૨ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આજે નિફ્ટી એક તબક્કે ૪૮૧.૮૫ પોઇન્ટના ગાબડા સાથે નીચામાં ૨૧,૫૫૦ સુધી ખાબક્યા બાદ કામકાજના અંતે ૪૬૦.૩૫ તૂટીને ૨૧,૫૭૧.૯૫ના મથાળે ઉતરી આવ્યો હતો.
એકધારી વેચવાલીના દબાણ વચ્ચે આજે આઇટી શેરોમાં નવી લેવાલી નીકળતા પસંદગીના તમામ આઇટી શેરો ઉંચકાયા હતા. જેના પગલે આઇટી ઇન્ડેક્સ પણ ૨૦૧.૯૪ પોઇન્ટ વધીને ૩૭૫૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સની ઝડપી પીછેહઠના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં એટલે કે, બીએસઇ માર્કેટ કેપમાં રૂ. ૪.૬૦ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૩૭૦.૩૫ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૦,૫૭૮ કરોડના શેરોની જંગી વેચવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૪૦૦૬ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
બજાર તૂટવા પાછળના કારણો
- જીયો-પોલિટીકલ અસ્થિરતામાં વધારો
- બેન્કિંગ સેક્ટરના માર્જીન ઘટવાની ભીતિ
- વૈશ્વિક શેરબજારમાં નરમાઇ તરફી વલણ
- અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં ફરીથી વધારો
- ઘરઆંગણે સ્ટોક વેલ્યૂએશનની ચિંતા
- કોર્પોરેટ પરિણામોમાં મિશ્ર ટ્રેન્ડ