શેરોમાં મહાકડાકો : રોકાણકારોની મૂડીનું રૂ.4.23 લાખ કરોડનું ધોવાણ
- અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ ડહોળાયું : યુક્રેન પર રશીયાના ડ્રોન હુમલો : ફરી યુદ્વનો ખતરો : સેન્સેક્સ 857 પોઈન્ટ તૂટીને 74454
- આઈટી-સોફ્ટવેર, મેટલ, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટા ગાબડાં પડયા
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલવાના અને ટેરિફની ધમકી આપતાં રહી ઘણા દેશોના બિઝનેસ ડિલ કરવા મજબૂર કરવાનું ચાલુ રાખીને હવે ચાઈનાને ભીંસમાં લેવાના કરેલા જલદ નિવેદને અને અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ ડહોળાતાં અમેરિકી બજારો પાછળ આજે ધોવાણ થયું હતું.
ટ્રમ્પ દ્વારા યુક્રેન મામલે રશીયા સાથે દોસ્તી કરી યુક્રેન પર કબજો જમાવવાની કોશિષમાં ઝેલેન્સકી તેની સત્તાની ખુરશી યુક્રેનને નાટોનું સભ્ય બનાવવાની બદલીમાં છોડવા તૈયાર હોવાનો દાવ ખેલતાં છંછેડાયેલા પુતિને યુક્રેન પર ડ્રોન હુમલો કરતાં વૈશ્વિક બજારો ફરી ડામાડોળ બન્યા છે. યુક્રેન મામલે ફરી વિશ્વ પર યુદ્વનો ખતરો ઊભો થતાં અને ટ્રમ્પની આક્રમકતા અમેરિકાને પણ આર્થિક મોરચે મુશ્કેલીમાં ધકેલી રહ્યાના અહેવાલોએ અમેરિકી બજારોમાં ગત સપ્તાહના અંતે બોલાઈ ગયેલા કડાકાની અપેક્ષિત અસરે આજે ભારતીય શેર બજારો ગેપ ડાઉન ખુલ્યા હતા.
ટ્રમ્પ દ્વારા મેટલ પર આકરી ટેરિફ લાદીને અને અમેરિકાના ચાઈનામાં ઈન્વેસ્ટમેન્ટને મોટાપાયે પાછું ખેંચીને ચાઈનાને ભીંસમાં લેવાની તૈયારીના સંકેતે વૈશ્વિક ડામાડાળ સ્થિતિ વચ્ચે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે ઉદ્યોગના નબળા આઉટલૂકે શેરોમાં ગાબડાં પડયા હતા. આ સાથે સ્ટીલ, મેટલ શેરોમાં શુક્રવારનો ઉછાળો ધોવાઈ જઈ ધોવાણ થતાં બજારમાં ગભરાટ છવાયો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઓલ રાઉન્ડ વેચવાલીએ કડાકા બોલાયા હતા. સેન્સેક્સ ૮૫૬.૬૫ પોઈન્ટ તૂટીને ૭૪૪૫૪.૪૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૨.૫૫ પોઈન્ટ તૂટીને ૨૨૫૫૩.૩૫ બંધ રહ્યા હતા.
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે ઉદ્યોગે આવક વૃદ્વિના નબળા અંદાજો બતાવી આઉટલૂક નબળું રજૂ કરતાં અને ટ્રમ્પના ચાઈનાને ભીંસમાં લેવાના ડેવલપમેન્ટે આઈટી ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટની આશંકાએ ફંડોએ આજે આઈટી શેરોમાં હેમરીંગ કર્યું હતું.
બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૩૪.૮૪ પોઈન્ટ તૂટીને ૩૮૭૨૯.૦૧ બંધ રહ્યો હતો. એલટીટીએસ રૂ.૨૩૩.૪૦ તૂટીને રૂ.૪૮૮૭.૩૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૧.૨૦ તૂટીને રૂ.૭૫૫.૭૦, નેટવેબ રૂ.૬૧ ઘટીને રૂ.૧૫૪૦.૭૫, માસ્ટેક રૂ.૯૦.૧૦ ઘટીને રૂ.૨૩૫૨.૬૫, વિપ્રો રૂ.૧૧.૨૫ તૂટીને રૂ.૨૯૫, નેલ્કો રૂ.૨૯.૭૦ તૂટીને રૂ.૮૦૩.૫૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૫૬.૪૫ તૂટીને રૂ.૧૬૪૪.૪૦, ટીસીએસ રૂ.૧૧૦.૮૫ તૂટીને રૂ.૩૬૭૪.૯૦, એમ્ફેસીસ રૂ.૭૪.૩૦ ઘટીને રૂ.૨૪૯૧.૫૦, ઈન્ફોસીસ રૂ.૫૧ ઘટીને રૂ.૧૭૬૪.૧૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૦ ઘટીને રૂ.૩૯૨.૬૦ રહ્યા હતા.
નવા સપ્તાહની શરૂઆત કડાકા સાથે થઈ સેન્સેક્સ, નિફટીમાં મોટા ઘટાડા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી રહેતાં ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૨૩ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૩૯૭.૯૭ લાખ કરોડ રહ્યું હતું.