Get The App

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2650 તો નિફ્ટીમાં 820થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોને નુકસાન

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2650 તો નિફ્ટીમાં 820થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોને નુકસાન 1 - image


Stock Market Today: શેરબજાર (Stock Market)માં ગત અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે મોટા કડાકા બાદ ફરી એકવાર આજે (પાંચમી ઓગસ્ટ) બજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અમેરિકામાં મંદીના ભણકારા સાથે અમેરિકન સ્ટૉક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ. સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારે આજે બ્લેક મંડે સાબિત થયો. જ્યાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો ત્યાં બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક ધરાશાયી થઇ ગયા. બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ આજે 80000 ની નીચે થઈ. લગભગ 2400 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારબાદ બજાર ખુલતાં જ રિકવરી દેખાઈ અને 1000 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. જેના પછી ફરી એકવાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 2680 પોઈન્ટ સુધીનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોના 15 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા.  

બજારમાં કેવી છે સ્થિતિ? 

બજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ સીધો 2680 પોઈન્ટના કડાકા સાથે 78295ના લૉ લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 824થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. તે હાલમાં 700 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહી છે.

પ્રી ઓપનિંગમાં જ સંકેત મળી ગયા હતા 

પ્રી ઓપનિંગ સેશનમાં જ સંકેત મળી ગયા હતા કે શેરબજારનું વલણ કેવું રહેવાનું છે. ખરેખર પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. બજાર ખુલતાં જ 10 મિનિટમાં જ ઘટાડો વધી ગયો જેના લીધે સેન્સેક્સમાં 1500થી વધુ જ્યારે નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. સેન્સેક્સમાં 1.96% તો નિફ્ટીમાં 2% જેટલો કડાકો બોલાયો હતો.

આ મોટા કડાકા પાછળનું કારણ શું? 

હકીકતમાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. બીજી બાજુ આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરાયું છે. જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.

રોકાણકારોની મૂડીનું ધોવાણ 

આ મોટા કડાકા સાથે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 10.24 લાખ કરોડ જેટલું ધોવાઈ ગયું હતું. આ સાથે હવે માર્કેટ કેપ 446.92 લાખ કરોડ થઈ ગઈ છે. નિફ્ટી 10 તેની 20 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ગગડી ગઈ છે જે બે મહિનાથી વધુ સમયમાં તેનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. જ્યારે બેન્ક નિફ્ટી પણ 50 દિવસની મૂવિંગ એવરેજથી નીચે આવી ગઈ છે. 

મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધનું એંધાણ પણ એક કારણ 

આ દરમિયાન મધ્યપૂર્વના દેશોમાં ફરી એકવાર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર ઈરાને હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવાના સોગંદ લીધા છે. તે ગમે ત્યારે ઈઝરાયલ પર આક્રમણ કરી શકે છે અને તેનાથી નવા યુદ્ધના એંધાણ સર્જાયા છે. અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં સૈન્ય હાજરી વધારી દીધી છે જેનાથી દુનિયાભરના રોકાણકારોનું ટેન્શન ફરી વધી ગયું છે. 

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2650 તો નિફ્ટીમાં 820થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોને નુકસાન 2 - image



Google NewsGoogle News