વિદેશી બજારોનો મૂડ બગડતાં ભારતીય શેરબજારમાં પણ કડાકો, બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં
Stock Market Crash: વિદેશી બજારોની ખરાબ હાલત દેખાઈ અને એમાય ખાસ તો અમેરિકન બજારમાં હડકંપ મચી ગયું હતું જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા. ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં પણ મોટા કડાકા થયા જેની અસર હવે સીધી ભારતીય શેરબજારમાં દેખાઈ. આજે વેપારની શરૂઆત થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?
મંગળવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે ઓપનિંગમાં જ કડાકો બોલાયો. BSE Sensex 567.26 પોઇન્ટ એટલે કે 0.69 ટકાના કડાકા સાથે 81,988.18 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty 185.40 પોઇન્ટ એટલે કે 0.73 ટકાના કડાકા ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટી 25,094.40 પર ઓપન થયો હતો. જોકે મંગળવારે સેન્સેક્સ 82,555.44 ના લેવલે ક્લૉઝ થયો હતો. જોકે નિફ્ટી 25,279.85 ના લેવલે બંધ થયો હતો.
વિદેશી બજારોમાં પણ હડકંપ મચ્યું હતું
સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક 3 ટકા સુધી ઘટ્યા હતા. જ્યારે S&P500 ના મોટા ભાગના સેક્ટર રેડ ઝોનમાં દેખાયા હતા. તેની સીધી અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કેઈ પણ 3 ટકા તૂટ્યો હતો. અમેરિકન માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. ચીપ નિર્માતા Nvidia (NVIDIA શેર) ના શેર સૌથી વધુ 10 ટકા ઘટ્યા હતા.