શેરબજારમાં મોટા કડાકા સાથે 15 લાખ કરોડનું ધોવાણ, જાણો ઘટાડા પાછળના પાંચ કારણો
Stock market Crash Reason: શેરબજારે શ્રાવણ માસના પર્વની શરૂઆત મોટા કડાકા સાથે કરી છે. સેન્સેક્સ 2600 પોઈન્ટ જ્યારે નિફ્ટી 793 પોઈન્ટ તૂટતાં મોર્નિંગ સેશનમાં જ રોકાણકારોએ રૂ. 14.78 લાખ કરોડથી વધુ ગુમાવ્યા છે. બીએસઈ ખાતે માત્ર 692 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 3111 શેર્સમાં ઘટાડો નોંધાયો છે. આવો જાણીએ શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળના પાંચ કારણો...
1. અમેરિકામાં મંદીના ભણકારાં
અમેરિકાનો પીએમઆઈ ડેટા નબળો રહેતાં તેમજ બેરોજગારીમાં વધારાના કારણે અમેરિકામાં મંદીની ભીતિ સર્જાઈ છે. નાસડેક અને ડાઉ જોન્સમાં મોટો કડાકો નોંધાતો યુએસ ફ્યુચર્સ પણ ડાઉન રહ્યા હતા. જેની અસર ભારત સહિત એશિયન શેરબજારો પર જોવા મળી છે. જાપાનનો નિક્કેઈ 9.53 ટકા, KOSPI 7.65 ટકા તૂટ્યો છે.
2. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે. મધ્યપૂર્વમાં ઈઝરાયલ દ્વારા હમાસના નેતાની હત્યા બાદ ઈરાન અને હમાસ જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ક્રૂડ ઓઈલના ભાવો વધ્યા છે. જેની અસર આર્થિક સ્થિતિ પર થવાની અસર છે.
3. પ્રોફિટ બુકિંગ
દેશમાં 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 8000 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 2400 પોઈન્ટ સુધી વધ્યો છે. જેથી રોકાણકારો વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં પ્રોફિટ બુક કરી રહ્યા છે.
4. ત્રિમાસિક પરિણામોની અસર
મોતિલાલ ઓસ્વાલના જણાવ્યા પ્રમાણે, નબળી ડીલ, નબળી માગ વચ્ચે જૂનમાં પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિકમાં કોર્પોરેટ્સની કમાણી વાર્ષિક ધોરણે 2 ટકા ઘટી છે. નિફ્ટી 50માંથી 30 કંપનીઓએ પરિણામ જાહેર કરી દીધા છે, જેની આવકો 0.7 ટકા વધી છે, પરંતુ ચોખ્ખો નફો 9.4 કટા ઘટ્યો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવોની અસરથી એકંદરે કામગીરીને ફટકો પડ્યો છે.
5. બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધાર્યા
અમેરિકામાં મંદીના અહેવાલે આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી ફેડ બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા ઘટી છે. બીજી બાજુ બેન્ક ઓફ જાપાને પણ ફુગાવાને ડામવા વ્યાજદરોમાં વધારો કર્યો છે. ફોરેક્સ ટ્રેડર્સને ઓચિંતા વધારાથી નુકસાન થવાની ભીતિ છે.
હવે આગળ શું?
મહેતા ઈક્વિટીઝના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, જૂન ત્રિમાસિકમાં એકંદરે કોર્પોરેટ્સની નબળી કામગીરી અને ટેક્નિકલી સ્ટોક માર્કેટ ઓવરબોટ હોવાથી શેરબજારમાં કરેક્શનનો મૂડ જળવાઈ રહેશે. નિફ્ટી ઓટો, રિયાલ્ટી, મેટલમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ છે. વૈશ્વિક સ્તરે સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી નાના રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી શકે છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.