4 જૂને મોદી સરકાર ફરી સત્તામાં નહીં આવે તો શેરબજારમાં શું થશે? જાણો નિષ્ણાતો શું કહે છે
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું મતદાન એક જૂનના રોજ થનાર છે. આ બાદ તમામ રાજકીય પક્ષોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઈ જવાનું છે, જે ચાર જૂનના રોજ ખુલશે. આ બાદ નક્કી થઈ જશે કે દેશમાં સરકાર કોની બનવાની છે. બીજી તરફ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જો એનડીએ સરકાર નહીં બનાવી શકે તો માર્કેટ પર કેવી અસર થશે.
કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના મુખ્ય રોકાણ રણનીતિકાર જીતેન્દ્ર ગોહિલે ચેતવણી ઉચ્ચારી છે કે એનડીએ ગઠબંધન સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે તો શેર બજારમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે અને તેને રિકવર થતા ઘણો સમય લાગી શકે છે. ગોહીલે જણાવ્યું હતું કે આ રીતના પરિણામની સંભાવના ઘણી ઓછી છે પરંતુ રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ચૂંટણી પરિણામો અગાઉ જોખમ ઓછું કરવું સમજદારી ભર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ભાજપને પૂર્ણ બહુમતી મળશે અને એનડીએ સરકાર બનાવશે. એક જુનના રોજ ચૂંટણી પૂર્ણ થઈ જશે અને ત્રણ જૂનના રોજ એકઝીટ પોલ અનુસાર માર્કેટ રિએક્ટ કરશે. ગત ટર્મની 303 બેઠકની સરખામણીએ ભાજપને 10-20 બેઠકોથી બજારને કોઈ ફરક નહીં પડે કેમકે રોકાણકારો નીતિનિયમો યથાવત રાખતી સ્થિર સરકાર ઈચ્છતા હોય છે.
ભાજપને પૂર્ણ બહુમતી ન મળે અને તે એનડીએના ઘટક પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવશે તો બજારમાં 5થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. અને જો એનડીએ સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે તો બજારમાં 20 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાઇ શકે છે અને આ ઘટાડાથી ઉભરવામાં સમય લાગી શકે છે. તેમનું કહેવું છે કે એનડીએ સત્તામાં નહીં આવે તો PSU, કેપિટલ ગુડ્સ,ઈન્ફ્રા, ડિફેન્સ સંબંધિત શેર્સમાં વેચવાલી જોવા મળી શકે છે. પરંતુ IT અને એફએમસીજીમાં ખરીદી જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.