રોકાણકારોને 4 જૂને થયેલા નુકસાનની ભરપાઈ થતાં પાંચ ટ્રેડિંગ સેશન લાગ્યા, સેન્સેક્સ-નિફ્ટીમાં ફ્લેટ ટ્રેન્ડ
Stock Market Today: લોકસભા ચૂંટણી પરિણામો દરમિયાન 4 જૂને ભારતીય શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોની મૂડી એક જ દિવસમાં 31 લાખ કરોડ ધોવાઈ હતી. જેની ભરપાઈ થતાં પાંચ ટ્રેડિંગ સેશન લાગ્યા છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી 32 લાખ કરોડ વધી છે. આજે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રાહ પર બંધ રહ્યા હતા. સળંગ બે દિવસ ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધ્યું છે. રોકાણકારોની મૂડી આજે 1.97 લાખ કરોડ વધી છે.
સેન્સેક્સ આજે 564.09 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 33.49 પોઈન્ટ ઘટાડે 76456.59 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 5.65 પોઈન્ટના નજીવા સુધારા સાથે 23264.85 પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે આજે 376 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ, જ્યારે 130 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
બીએસઈ માર્કેટ કેપ ઓલટાઈમ હાઈ
બીએસઈ માર્કેટ કેપ આજે 427.05 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. 13 ટ્રેડિંગ સેશનમાં જ બીએસઈ માર્કેટ કેપ રૂ. 7 લાખ કરોડ વધી છે. જ્યારે 4 જૂને નોંધાયેલા 4300 પોઈન્ટના ગાબડાં દરમિયાન બીએસઈ માર્કેટ કેપ 394.84 લાખ કરોડ સામે પાંચ ટ્રેડિંગ સેશનમાં જ 32.21 લાખ કરોડ વધી છે.
સ્મોલકેપ-મીડકેપ ઈન્ડેક્સ આજે ફરી રેકોર્ડ સ્તરે
સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં તેજીનો દોર જારી રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સ્મોલકેપ 0.95 ટકા ને મીડકેપ 0.74 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી 50માં સામેલ 50 શેર્સમાંથી 22 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતાં. જેમાં કોટક મહિન્દ્રા બેન્ક, ડિવિસ લેબ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝ ટોપ લૂઝર્સ, જ્યારે ઓએનજીસી, ટાટા મોટર્સ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, મારૂતિ સુઝુકી ટોપ ગેનર્સ રહ્યા હતા.
એફએમસીજી, હેલ્થકેર, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિતના ઈન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગનો માહોલ રહેતાં રેડ ઝોનમાં બંધ રહ્યો હતો.