બેન્કિંગ-ફાઈ. સ્ટોક્સમાં તેજીના પગલે સેન્સેક્સ સુધારા સાથે બંધ, ખાનગી બેન્કોના શેર્સમાં ઉછાળો
Stock Market Closing: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ચાર દિવસ નવી રેકોર્ડ ટોચ બનાવ્યા બાદ આજે ફ્લેટ રહ્યા છે. ભારે પ્રોફિટ બુકિંગના કારણે રોકાણકારોની મૂડીમાં 3.21 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સામસામા રહ્યા હતા. બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને આઈટી શેરોમાં સુધારાના કારણે સેન્સેક્સ 36.45 પોઈન્ટ સુધરી 77337.59 પર, જ્યારે નિફ્ટી 41.90 પોઈન્ટ ઘટાડે 23516 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 30 શેર્સ પૈકી 10માં સુધારો અને 20માં ઘટાડો નોંધાયો હતો.
315 શેર્સ નવી ટોચે પહોંચ્યા
બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 3972 શેર્સમાંથી 1642 શેર પોઝિટીવ અને 2228 શેર નેગેટીવ રહ્યા હતા. 288 શેર્સમાં અપર સર્કિટ અને 214 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 315 શેર્સ વર્ષની ટોચે અને 20 શેર્સ વર્ષના તળિયે બંધ રહ્યા હતા. બેન્કેક્સ 1.97 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિઝ 1.10 ટકા, આઈટી ઈન્ડેક્સ 0.38 ટકા અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. અન્ય તમામ સેગમેન્ટમાં ભારે વેચવાલી રહી હતી.
બજેટ સુધી માર્કેટ વોલેટાઈલ રહેશે
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર પોઝિટીવ પરિબળો હોવા છતાં આજે ડિસ્કાઉન્ટ થયા છે. જેની પાછળનું કારણ છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી તેજી છે. રોકાણકારો હાલ પ્રોફિટ બુક કરી રહ્યા છે. બીજી તરફ આગામી મહિને નવી એનડીએ સરકાર 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છએ. જેના પર નવી નીતિઓ અને યોજનાઓ પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે. જેથી બજેટ સુધી માર્કેટ વોલેટાઈલ રહેવાની શક્યતા છે.
ખાનગી બેન્કોના શેર્સ વધ્યા
આજે નિફ્ટી50 ખાતે ટોપ ગેનર્સમાં ખાનગી બેન્કોના શેર્સ રહ્યા હતા. એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને કોટક બેન્કના શેર 3 ટકા સુધી ઉછળ્યા છે. ફેડરલ બેન્ક (-1.24 ટકા), એયુ બેન્ક (-0.17 ટકા) અને સીયુબી (-0.13 ટકા) સિવાય તમામ શેર્સ સુધર્યા હતા.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.