સેન્સેક્સે ફરી પાછી 75000ની સપાટી ક્રોસ કરી, રોકાણકારોની મૂડી બે દિવસમાં 21 લાખ કરોડ વધી
Stock Market Closing: લોકસભા ચૂંટણીના બિનઅપેક્ષિત પરિણામોના પગલે શેરબજારમાં એક દિવસમાં નોંધાયેલ ધોવાણ રિકવર થઈ રહ્યું છે. 4 જૂને સેન્સેક્સમાં 4389 પોઈન્ટના કડાકા બાદ છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ 2995.46 પોઈન્ટ સુધર્યો છે. રોકાણકારોની મૂડી પણ રૂ. 21.12 લાખ કરોડ વધી છે.
આજે સેન્સેક્સ વધુ 692.27 પોઈન્ટ ઉછળી 75074.51 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 201.05 પોઈન્ટ ઉછાળા સાથે 22821.40 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે નિફ્ટી 23000ની સપાટીથી થોડો જ દૂર રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ આજે વધુ 7.89 લાખ કરોડ વધી રૂ. 415.96 લાખ કરોડ થયુ હતું.
398 શેરોમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે 398 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 131 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3945 સ્ક્રિપ્સમાંથી 3010માં સુધારો અને 833માં ઘટાડો નોંધાયો હતો. ગત મંગળવારના કડાકામાં ઘણાં શેરો 25થી 30 ટકા સુધી તૂટ્યા હતા.
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, સ્થિર સરકાર રચાવાના અંદાજ સાથે બેન્કમાર્ક ઈન્ડાઈસિસમાં પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું છે. જો કે, જ્યાં સુધી એનડીએ નવી કેબિનેટનો વિશ્વાસ ન મેળવે ત્યાં સુધી અસમંજસ રહેવાની શક્યતા છે. આગામી બજેટ સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.
સ્મોલકેપ-મીડકેપમાં 4 ટકા સુધી ઉછાળો
શેરબજારમાં આજે સતત બીજા દિવસે સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેમાં સ્મોલકેપ 3.26 ટકા અને મીડકેપ 2.28 ટકા ઉછાળ્યો છે. તદુપરાંત મેટલ્સ, પાવર, એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી ઈન્ડેક્સમાં પણ 3થી 4 ટકાનો ઉછાળો નોંધાયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઘણા શેરો 20 ટકા અપર સર્કિટ સાથે બંધ રહ્યા હતા. પીએસયુના તમામ શેરો 4થી 13 ટકા સુધી ઉછળ્યા હતા.
સેન્સેક્સ પેકના આ શેરોમાં સુધારો
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 23 શેરોમાં 4 ટકા સુધીનો સુધારો નોંધાયો છે. જ્યારે સાત શેરો 2 ટકા સુધી તૂટ્યા હતા. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્., એસબીઆઈ, ઈન્ફોસિસ, એનટીપીસી ટોપ ગેનર્સ જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ લૂઝર્સ રહ્યા હતા.