સ્મોલકેપ-મિડ કેપ શેરોમાં ઉછાળો, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ સુધી વધી
Stock Market Closing: ભારતીય શેરબજારમાં નવા માસની શરૂઆત આકર્ષક રહી છે. નજીવા સુધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી ખૂલ્યા બાદ અંતે મોટા ઉછાળા સાથે બંધ રહ્યા છે. રોકાણકારોની મૂડી રૂ. 3.87 લાખ કરોડ વધી છે. સ્મોલકેપ અને મિડ કેપ શેર્સમાં 20 ટકા સુધીના ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ જોવા મળી છે.
સેન્સેક્સ આજે 589.21 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 443.46 પોઈન્ટ ઉછળી 79476.19 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 131.35 પોઈન્ટ ઉછળી 24141.95 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 443.12 લાખ કરોડ સાથે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચી છે. પાવર, રિયાલ્ટી સિવાય ટોચના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાં 1.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
મિડ કેપ-સ્મોલકેપ શેર્સમાં તેજી
મિડ કેપ અને સ્મોલકેપ શેર્સમાં તેજીનો માહોલ જારી છે. મિડ કેપ સેગમેન્ટમાં પોલિસી બાઝાર, કેસ્ટ્રોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, પતંજલિ સહિતના 90 શેર્સમાં સુધારો નોંધાવાની સાથે ઈન્ડેક્સ 46711.27ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં વોકફાર્મા, અતુલ ઓટો, વેરાન્ડા, સુબ્રોસ, સહિત 20 શેર્સમાં 11થી 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીએસઈ ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે ફરી નવી 17497.86ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.
માર્કેટ નિષ્ણાતના નજરે બજારની સ્થિતિ
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, "યુએસ પીસીઇ ફુગાવામાં ઘટાડાને કારણે સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા દરમાં ઘટાડો થવાની આશા વધી છે. આ આશાવાદે IT શેરોના મજબૂત પ્રદર્શનમાં ફાળો આપ્યો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વલણ નજીકના ગાળામાં ચાલુ રહેશે. વિવેકાધીન ખર્ચમાં રિકવરીની અપેક્ષાઓ સાથે રોકાણકારો હવે આગામી યુએસ જોબ ડેટા અને વ્યાજ દરો પર વધુ સંકેત માટે ફેડ ચેરના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે."
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.