સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ રહ્યાં, PSU-મેટલ શેરોમાં તેજી, રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી
Stock Market Closing Bell: શેરબજારમાં ભારે પ્રોફિટ બુકિંગ તેમજ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સેન્સેક્સ આજે ઈન્ટ્રા ડે 611 પોઈન્ટની વોલેટિલિટીના અંતે નજીવા 45.46 પોઈન્ટના ઘટાડે 73466.39 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ ઈન્ટ્રા ડે એક તબક્કે 22200નું લેવલ તોડતાં રોકાણકારોમાં મૂંઝવણ ઉભી કરી હતી. પરંતુ અંતે ફ્લેટ (ઝીરો વધઘટ) 22302.50 પર બંધ આપી રાહત આપી છે.
બીએસઈ માર્કેટ કેપ અનુસાર, રોકાણકારોની મૂડી આજે 2.29 લાખ કરોડ વધી છે. આજે 2128 શેરો સુધારા અને 1667 શેરો ઘટાડે બંધ રહ્યા હતા. 154 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. જ્યારે 31 શેરોએ વર્ષની બોટમ નોંધાવી હતી. સેન્સેક્સ પેકમાં પણ 15-15 વલણ જોવા મળ્યું હતું. અર્થાત 15 શેરોમાં 2.43 ટકા સુધી સુધારો અને 15 શેરોમાં 2.31 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો.
પીએસયુ, મેટલ, ઓઈલ ગેસ શેરો ઝળક્યા
આરબીઆઈની ઈન્ફ્રા લોન મામલે નવી અપડેટ્સના પગલે સરકારી કંપનીઓના શેરોમાં નોંધાયેલો ઘટાડો હવે બમ્પર ઉછાળામાં તબદીલ થયો છે. આજે S&P BSE PSU ઈન્ડેક્સમાં સામેલ 55 સરકારી કંપનીઓના શેરો 2 ટકાથી 8 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા છે. માત્ર આઈટીઆઈ, કેનેરા બેન્ક અને KIOCLના શેરોમાં 1.62 ટકાથી 3.25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. હુડકોનો શેર 7.76 ટકા, એનબીસીસી 5.72 ટકા, આરઈસી 5.39 ટકા ઉછાળે બંધ રહ્યો છે. મઝગાંવ ડોક પણ 4.65 ટકા વધ્યો છે. આ સિવાય મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં સુધારા સાથે ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે માર્કેટમાં કરેક્શન જોવા મળી રહ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં માગ વધતાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં પ્રોત્સાહક પરિણામોએ સ્ટોક સ્પેસિફિક ખરીદીને વેગ આપ્યો છે.