શેરબજારમાં અફરાતફરી બાદ સેન્સેક્સ સુધારા અને નિફ્ટી ઘટાડા તરફી બંધ, રૂ. 2.85 લાખ કરોડ ધોવાયા
Stock Market Closing: ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆત સુધારા સાથે કર્યા બાદ ઈન્ટ્રા ડે 573.4 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. જો કે, અંતે સેન્સેક્સ 17.39 પોઈન્ટના નજીવા સુધારા અને નિફ્ટી 33.15 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. માર્કેટની અફરાતફરીમાં રોકાણકારોએ 2.85 લાખ કરોડની મૂડી ગુમાવી છે.
આરબીઆઈએ ધિરાણ માટેના નિયમો કડક કરવા ઉપરાંત બાંધકામ હેઠળના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર આકરી દેખરેખ રાખવા અંગેનો ડ્રાફ્ટ જારી કરાતાં પીએસયુ બેન્કો અને ફાઈનાન્સ શેરોમાં મોટાપાયે કડાકો નોંધાયો હતો. પરિણામે માર્કેટ ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. S&P BSE PSU ઈન્ડેક્સ 2.91 ટકા અને એનર્જી ઈન્ડેક્સ 1.93 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. તુદપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરો અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી વધી હતી.
કોટક મહિન્દ્રા ટોપ ગેઈનર રહ્યો
કોટક મહિન્દ્રા બેન્કે સકારાત્મક નાણાકીય પરિણામ જારી કરતાં વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા રેટિંગ વધારી દેવામાં આવ્યું છે. પરિણામે આજે સેન્સેક્સ પેકમાં કોટક મહિન્દ્રા 5.01 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. આ સિવાય ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, M&M, સન ફાર્મા, ટેક્ મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર 1થી 2.50 ટકા સુધી વધ્યા હતા. બીજી બાજુ ટાઈટનનો શેર 7.18 ટકા, એસબીઆઈ 2.86 ટકા, એનટીપીસી 2.31 ટકા તૂટ્યો હતો.
માર્કેટ રેન્જબાઉન્ડ રહેશે
શેરબજાર ચૂંટણીના પરિણામો સુધી રેન્જબાઉન્ડ રહી શકે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ટેક્નિકલી નિફ્ટી માટે 22600 અતિ મહત્વની સપાટી છે. જે તેજી માટે જાળવવી જરૂરી છે. 22300-22250નો સપોર્ટ લેવલ છે.