સળંગ પાંચ દિવસના ઘટાડા બાદ શેરબજાર આજે નજીવા સુધર્યા, 131 શેરો વર્ષની ટોચે
Stock Market Closing: આવતીકાલે લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન અને જારી થનારા એક્ઝિટ પોલ વિશે અટકળોની વચ્ચે આજે શેરબજાર નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટાડે બંધ રહ્યા બાદ આજે સેન્સેક્સ 75.71 પોઈન્ટ વધી 73961.31 અને નિફ્ટી 42.05 પોઈન્ટ વધી 22530.70 પર બંધ રહ્યો હતો.
શેરબજારની આજની સ્થિતિ
સેન્સેક્સ આજે 322.93 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 593.29 પોઈન્ટ વધી 74478.89ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. ઈન્ટ્રા ડે 713.74 પોઈન્ટની વોલેટિલિટીના અંતે નજીવા 75.71 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ. 1.79 લાખ કરોડ વધી હતી. બીજી બાજુ નિફ્ટી 22500ની અતિ મહત્વની સાયકોલોજિકલ સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો.
બીએસઈ ખાતે 131 શેર્સ વર્ષની ટોચે
બીએસઈ ખાતે આજે 131 શેર્સ વર્ષની ટોચે અને 79 શેર્સ વર્ષની બોટમે પહોંચ્યા હતા. જેમાં અદાણી પાવર, ભારત રસાયણ, ભારતી હેક્સાકોન, આનંદ રાઠી, ફોર્ટિસ, જ્યોતિ સીએનસી, વિન્ડલાસ એનર્જી, રતન પાવર સહિતના શેર્સ સામેલ છે. વાર્ડવિઝાર્ડ, અતુલ, એમ્કે પ્રોડક્ટ્સ સહિતના શેર્સ આજે વર્ષના તળિયે નોંધાયા હતા.
માર્કેટમાં માહોલ 50-50
પાંચ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં સુધારો તો થયો છે, પરંતુ માહોલ તેજી-મંદીનો 50-50 જોવા મળ્યો છે. સેન્સેક્સ પેકમાં આજે 15 શેર્સ સુધર્યા અને 15 ઘટ્યા હતા. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3915 શેર્સમાંથી 1841 શેર્સ ગ્રીન ઝોન અને 1983 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થમાં તેજી અને મંદીની 50-50 આશંકા દર્શાવે છે.
રોકાણકારોમાં સાવચેતીનું વલણ
"ચૂંટણી પહેલાની ટ્રેડિંગ વ્યૂહરચના આજે પૂર્ણ થઈ છે, અને આગળની કાર્યવાહી માટે તમામની નજર એક્ઝિટ પોલની જાહેરાતો પર રહેશે. પ્રાદેશિક ડાયવર્ઝન, અપેક્ષા કરતાં ઓછું મતદાન અને વર્તમાન શ્રેણીમાં મજબૂત રેઝિસ્ટન્સ રોકાણકારોને સાવચેતીભર્યું વલણ અપનાવવા માટે પ્રેરિત કરે છે. તેઓ તેમના રોકાણને મૂળભૂત રીતે મજબૂત ક્ષેત્રો અને શેરો તરફ સંરેખિત કરી રહ્યા છે. બીજી બાજુ વૈશ્વિક મોરચે, યુ.એસ.ના ફુગાવાના ડેટા, જે ઊંચા હોવાનો અંદાજ છે, તે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટ ટૂંકાગાળામાં સ્થાનિક શેરબજારને અસર કરી શકે છે.”
(નોંધઃ આ લેખ માત્ર માહિતી પૂરતો છે, જે રોકાણની સલાહ આપતો નથી. રોકાણ અંગે નિર્ણયો લેતાં પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)