શેરબજારમાં રોકાણકારો કમાયા, મૂડી 7 લાખ કરોડ વધી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઇ થયાં
Stock Market Closing: વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે, આ સાથે સેન્સેક્સ 83000નું રૅકોર્ડ લેવલ વટાવવામાં સફળ રહ્યો છે. નિફ્ટી પણ 25433ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. આ સાથે આજ ે રોકાણકારોની મૂડીમાં રૂ. 7.47 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.
સેન્સેક્સ આજે બપોરના 2.00 વાગ્યા બાદના ટ્રેડિંગ સેશનમાં આકર્ષક 1593 પોઇન્ટના ઉછાળા સાથે 83116.19ની રૅકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જે અંતે 1439.55 પોઇન્ટના ઉછાળા સાથે 82962.71 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 470.45 પોઇન્ટ ઉછળી 25388.90 પર બંધ રહ્યો હતો.
સાર્વત્રિક ઉછાળાનો માહોલ
શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. ઓટો, મેટલ, અને એનર્જી શેર્સમાં તેજી સાથે ઇન્ડેક્સ 2 ટકા સુધી ઉછળ્યા હતાં. જેમાં ટેલિકોમ ઇન્ડેક્સ 2.61 ટકા ઉછાળા સાથે ટોપ પર્ફોર્મર રહ્યો હતો. એફએમસીજી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટૅક્નોલૉજી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળા સાથે આજે રૅકોર્ડ ટોચે પહોંચ્યા હતા. મીડકેપ 1.32 ટકા અને સ્મોલકેપ 0.79 ટકા ઉછાળે બંધ રહ્યા હતા.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4069 સ્ક્રિપ્સ પૈકી 2337 શેર્સ સુધારા તરફી અને 1609 શેર્સ ઘટાડા તરફી બંધ રહ્યા હતા. 278 શેર્સ વર્ષની ટોચે અને 36 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. સેન્સેક્સ પેકમાં નેસ્લે સિવાય અને તમામમાં 29 શેર્સમાં 4.36 ટકા સુધી ઉછાળે બંધ રહ્યા હતાં. નેસ્લે 0.09 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ઈસીબી અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા પ્રબળ બનતાં શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી છે. વધુમાં સ્થાનિક સ્તરે પણ ફુગાવો અને આઈઆઈપીના સકારાત્મક આંકડાઓએ પણ માર્કેટને ટેકો આપ્યો છે.