શેરબજાર સળંગ 3 દિવસ સુધર્યા બાદ આજે ફ્લેટ રહ્યા, નિફ્ટીએ 22500નું લેવલ જાળવ્યું
Stock Market Closing: ભારતીય શેરબજાર સળંગ 3 ટ્રેડિંગ સેશનમાં સુધારા તરફી બંધ રહ્યા બાદ આજે ફ્લેટ રહ્યા છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 426.82ની વોલેટિલિટીના અંતે 52.63 પોઈન્ટ ઘટાડે 73953.31 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 27.05 પોઈન્ટના નજીવા સુધારા સાથે 22529.05 પર બંધ રહ્યો હતો. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે રોકાણકારોની મૂડી 2.14 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ આજે 414.53 લાખ કરોડ રહી છે.
માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું
સેન્સેક્સ પેકની 30 પૈકી આજે 17 સ્ક્રિપ્સ ઘટાડે અને 13 સ્ક્રિપ્સ સુધારા સાથે બંધ રહી હતી. શેરબજારમાં મેટલ, પાવર, એનર્જી સહિત સ્ટોક સ્પેસિફિક ઉછાળો નોંધાયો છે. બીએસઈ ખાતે 362 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 254 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 296 સ્ક્રિપ્સ વર્ષની ટોચે છે.
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં મેટલ ઈન્ડેક્સ 4 ટકા, પાવર ઈન્ડેક્સ 2 ટકા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 1.5 ટકા વધ્યો છે. જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો છે. સ્મોલકેપ શેરોમાં ઘટાડો અને મીડકેપ શેરોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો.
આ શેરો વર્ષની ટોચે
આદિત્ય બિરલા ફેશન, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ભેલ, કોલ ઈન્ડિયા, હિન્દાલકો, ઈન્ડિયન બેન્ક, જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, લિન્ડે ઈન્ડિયા, ઓઈલ ઈન્ડિયા, પોલિકેબ, પાવર ગ્રીડ, સેઈલ, ટાટા સ્ટીલ સહિત 296 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા.
વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત થવાના આશાવાદ સાથે અમુક રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે, જ્યારે અમુક ખરીદી વધારી રહ્યા છે. પરિણામે વોલેટિલિટી વધી છે. સ્થાનીય સ્તરે લોકસભા ચૂંટણીના પરિણામો જારી ન થાય ત્યાંસુધી વોલેટિલિટી જળવાઈ રહેશે. કોમોડિટીના ભાવોમાં વૃદ્ધિના કારણે મેટલ અને પાવર શેરોમાં તેજી નોંધાઈ છે. મીડકેપ ઈન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે.