પ્રોફિટ બુકિંગ- FII વેચવાલીના પગલે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, નિફ્ટીએ 22 હજારનું લેવલ ગુમાવ્યું

Updated: May 9th, 2024


Google NewsGoogle News
પ્રોફિટ બુકિંગ- FII વેચવાલીના પગલે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો,  નિફ્ટીએ 22 હજારનું લેવલ ગુમાવ્યું 1 - image


Stock Market Closing Bell: વિદેશી રોકાણકારોની વેચવાલી તથા ડેરિવેટિવ્ઝ વીકલી એક્સપાયરીના ભાગરૂપે આજે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 1062.22 પોઈન્ટ તૂટી 72404.17 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટીએ 22000નું લેવલ તોડી 345 પોઈન્ટના કડાકા સાથે 21957.50 પર બંધ આપ્યું છે. 

7 લાખ કરોડ ધોવાયા

માર્કેટના કડાકા વચ્ચે રોકાણકારોએ આજે એક દિવસમાં જ રૂ. 7 લાખ કરોડની મૂડી ગુમાવી છે. ગઈકાલે એફઆઈઆઈએ 6600 કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટીવ થઈ છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3943 શેરોમાંથી 929 સ્ક્રિપ્સ સુધરી હતી. જ્યારે 2902 સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી છે. 160 શેરો વર્ષની ટોચે અને 45 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. વધુમાં 372 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ અને 221 શેરોમાં અપર સર્કિટ વાગી હતી.

આ પણ વાંચો : ચાલુ મહિનામાં શેરબજારમાં ઘટાડા પાછળના કારણો

સેન્સેક્સ પેકમાં 25 શેરો 6 ટકા સુધી તૂટ્યા

સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માંડ પાંચ સ્ક્રિપ્સ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ઈન્ફોસિસ, અને એચસીએલ ટેક્. 1.86 ટકા સુધી સુધર્યા હતા. આ સિવાય તમામ 25 શેરો 6 ટકા સુધી ઘટ્યા છે. લાર્સન એન્ડ ટ્રુબો 5.56 ટકા, એશિયન પેઈન્ટ 4.51 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 3.46 ટકા ઘટાડે બંધ રહ્યો છે.

મીડકેપ સ્મોલકેપ શેરો કડડભૂસ

છેલ્લા થોડા સમયથી તેજી નોંધાવી રહેલા ઓઈલ એન્ડ ગેસ, મેટલ, કેપિટલ ગુડ્સ, એનર્જી સહિતના સેગમેન્ટમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યા છે. એફએમસીજી ઈન્ડેક્સ 2.50 ટકા ઘટ્યો છે. આ સિવાય મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો કડાકો નોંધાતા મીડકેપ ઈન્ડેક્સ 835 પોઈન્ટ (2.01 ટકા) અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1110.84 પોઈન્ટ (2.41 ટકા) તૂટ્યો છે.


  પ્રોફિટ બુકિંગ- FII વેચવાલીના પગલે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો,  નિફ્ટીએ 22 હજારનું લેવલ ગુમાવ્યું 2 - image


Google NewsGoogle News