Get The App

ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વચ્ચે શેરબજાર સુધર્યા, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી

Updated: May 10th, 2024


Google NewsGoogle News
ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વચ્ચે શેરબજાર સુધર્યા, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી 1 - image


Stock Market Closing Bell: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે શેરબજાર સુધર્યા છે. સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે 580.25 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 260.30 પોઈન્ટ સુધરી 72664.47 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 22 હજારની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો.

છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં 1491.37 પોઈન્ટનો કડાકો નોંધાવ્યા બાદ સેન્સેક્સમાં આજે વેલ્યૂબાઈંગ વધ્યું હતું. નીચા મથાળે ખરીદી વધતાં રોકાણકારોની મૂડી 3.10 લાખ કરોડ વધી હતી. માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટીવ નોંધાઈ હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3931 સ્ક્રિપ્સ પૈકી 2194 ગ્રીન ઝોનમાં અને 1607 રેડ ઝોનમાં બંધ રહી હતી.

નિષ્ણાતોના મતે શેરબજાર

શેરબજારમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાની અસર આજે જોવા મળી છે. પ્રીમિયમ વેલ્યૂએશન અને લોકસભા ચૂંટણીમાં નીચા મતદાનના કારણે અપેક્ષિત પરિણામ ન મળવાની અટકળો વચ્ચે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી કડાકો નોંધાયો હતો. પરંતુ હવે નીચા મથાળે ખરીદી વધી છે. India VIX ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછાળા સાથે 18.6 નોંધાયો છે, જે ચૂંટણીના પરિણામો સુધી બજારમાં અનિશ્ચિતતાઓ રહેવાની સંભાવના દર્શાવે છે.

સેન્સેક્સ પેકના આ શેરોમાં સુધારો

સેન્સેક્સ પેકમાં આજે 21 શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં એનટીપીસી, પાવર ગ્રીડ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, એશિયન પેઈન્ટ, આઈટીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, રિલાયન્સના શેરો 1થી 3 ટકા સુધર્યા હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી બેન્ક, M&M, કોટક બેન્ક, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એસબીઆઈના શેર 1.62 ટકા સુધી તૂટ્યા હતા.

  ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા વચ્ચે શેરબજાર સુધર્યા, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી 2 - image


Google NewsGoogle News