Stock Market Closing: હેલ્થકેર, ટેલિકોમ, ઓટો શેર્સમાં અવિરત તેજી, 250 સ્ટોક્સ વાર્ષિક નવી ટોચે પહોંચ્યા
Stock Market Closing: ભારતીય શેરબજારો આજે ફરી સાર્વત્રિક સુધારા સાથે આગેકૂચ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ તેની ગઈકાલની રેકોર્ડ ટોચથી 20 પોઈન્ટ દૂર રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 આજે નવી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 58.10 પોઈન્ટના નજીવા સુધારા સાથે બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી આજે વધુ 2.26 લાખ કરોડ વધી હતી.
આજે સાંજે દેશના મે માસમાં રિટેલ ફુગાવાના આંકડા જારી થઈ શકે છે. બીજી બાજુ ફેડ રિઝર્વ પણ યુએસ ફુગાવાના આંકડાઓ જાહેર કરતાં પોલિસી અંગે નિર્ણયો જણાવશે. જેના પગલે મોટાભાગના રોકાણકારોએ આજે સાવચેતીનું વલણ દર્શાવ્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલીનું પ્રેશર ગઈકાલે ઘટ્યું હતું. ગઈકાલે 111.04 કરોડની એફઆઈઆઈ વેચવાલી નોંધાવી હતી. જે આગામી સમયમાં રોકાણ વધવાનો સંકેત આપે છે. જો કે, હવે સૌ કોઈની નજર આગામી મહિને જારી થનારા ત્રિમાસિક પરિણામો અને બજેટ પર રહેશે.
250 શેર્સ વર્ષની ટોચે
બીએસઈ ખાતે આજે 2553 શેર્સ ગ્રીન ઝોનમાં, જ્યારે 1337 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં 250 શેર્સ 52 વીક હાઈ અને 384 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન્સ, ઓટો, સ્મોલકેપ, મીડકેપ શેરોમાં તેજી સાથે ઈન્ડેક્સમાં સર્વોચ્ચ ટોચ નોંધાઈ હતી. બીએસઈ માર્કેટ કેપ આજે ફરી નવી 429.31 લાખ કરોડની રેકોર્ડ ટોચે પહોંચ્યુ હતું.
પીએસયુ શેરોની સ્થિતિ
કેન્દ્રમાં નવી સરકારના ગઠન બાદ પીએસયુ શેરોમાં તેજી જોવા મળી છે. પાવરગ્રીડ, કોલ ઈન્ડિયા, એનટીપીસી સહિતના શેરોમાં વોલ્યૂમ વધ્યા છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ કુલ 56 શેર્સમાંથી 49 શેર્સમાં સુધારો અને 7 શેર્સ 0.03થી 0.82 ટકા સુધી ઘટાડે બંધ રહ્યા હતા.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.