Get The App

એક્ઝિટ પોલથી રોકાણકારો મોજમાં, મૂડી 13.73 લાખ કરોડ વધી, PSU-પાવર સહિત 13 ઈન્ડેક્સ ટોચે

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
એક્ઝિટ પોલથી રોકાણકારો મોજમાં, મૂડી 13.73 લાખ કરોડ વધી, PSU-પાવર સહિત 13 ઈન્ડેક્સ ટોચે 1 - image


Stock Market Boom: લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલમાં અપેક્ષિત પરિણામ અર્થાત ફરી પાછી મોદી સરકાર બનવાની ખાતરીના પગલે આજે શેરબજારમાં આક્રમક તેજી જોવા મળી છે. રોકાણકારોની મૂડી આજે એક જ દિવસમાં રૂ. 13.73 લાખ કરોડ વધી છે. સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોના કુલ પોર્ટફોલિયોમાં આજના ટ્રેડિંગ સેશન દરમિયાન એવરેજ લગભગ 5થી 10 ટકા રિટર્ન મળ્યું છે. બીએસઈ માર્કેટ કેપ 426.10 લાખ કરોડ થઈ છે. 

સેન્સેક્સ અને નિફ્ટી સહિત આ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ

ભારતીય શેરબજારના બે મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 બમ્પર ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ થયા હતા. આ સિવાય પીએસયુ, સ્મોલકેપ, મીડકેપ સહિત 9 ઈન્ડેક્સ સર્વોચ્ચ સ્તરે નોંધાયા છે. મેટલ અને રિયાલ્ટી ઈન્ડેક્સ પણ 52 વીક  હાઈ થયા હતા. સેન્સેક્સ 76738.89 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ તે 2507.47 પોઈન્ટ ઉછળી 76468.78 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 733.20 પોઈન્ટ ઉછળી 23263.90 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ જાન્યુઆરી, 2021માં સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ત્યારબાદ 3 વર્ષ બાદ પ્રથમ વખત આટલો મોટો ઉછાળો નોંધાયો છે. એનર્જી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ટેલિકોમ, ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર ઈન્ડેક્સ આજે ઓલટાઈમ હાઈએ સ્પર્શ્યા હતા.

પીએસયુ શેરોમાં તેજી

પીએસયુ શેરોમાં આજે 20 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો હતો. ગેઈલ, પીએફસી, આરઈસી, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના શેરો 11.64 ટકાથી 13 ટકા ઉછાળે બંધ રહ્યા હતા. આ સાથે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 7.67 ટકા વધી 22491.49 પર બંધ રહ્યો હતો.

"એક્ઝિટ પોલએ વર્તમાન સરકારની જીતને નિશ્ચિત કરી છે. પરિણામે PSUsમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો મોદી સરકાર ફરી પાછી સત્તા પર આવે તો માર્કેટમાં આ સુધારાનો દોર જારી રહેશે.  વ્યાપક તેજી અને વાસ્તવિક આંકડાની અસરના કારણે વિદેશી રોકાણ પણ વધવાની શક્યતા છે. શેરબજાર માટે નાણાકીય વર્ષ 24માં 8.2%નો મજબૂત જીડીપી ગ્રોથ, નવી સરકારના પ્રથમ 100 દિવસના પગલાંની સૂચિ અને અંતિમ બજેટ સહિત મુખ્ય મુદ્દા રહેશે." 

371 શેરોમાં અપર સર્કિટ

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 4115 સ્ક્રિપ્સ સુધારા સાથે અને 1615 ઘટાડા સાથે બંધ રહી હતી. જેમાં 371 શેર્સમાં અપર સર્કિટ અને 306માં લોઅર સર્કિટ વાગી હતી. 

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


Google NewsGoogle News