શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 26000ની સપાટી ગુમાવી
Stock market and Sensex News | સપ્ટેમ્બર મહિનાના છેલ્લો દિવસ અને નવા અઠવાડિયાની શરૂઆતના પહેલા દીવસે જ શેરબજારમાં મોટો કડાકો બોલાયો. 30 સપ્ટેમ્બર એટલે કે આજે સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જેનાથી સેન્સેક્સ 84550 ના લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 250 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાતા તે પણ 25,890 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.
સોમવારે બજાર કેવો રહ્યો?
સેન્સેક્સમાં અત્યાર સુધીમાં બજારની સ્થિતિની વાત કરીએ તો સેન્સેક્સના 30 શેર્સમાંથી 23માં કડાકો દેખાયો જ્યારે 7 માં હજુ પણ તેજી દેખાઈ રહી છે. જ્યારે નિફ્ટી 50 શેર્સમાંથી 35 માં કડાકો તો 15 માં તેજી દેખાઈ. NSE ના રિયલ્ટી સેક્ટર પણ જાણે ધડામ થઈ ગયું હતું. અગાઉ શુક્રવારે એટલે કે 27 સપ્ટેમ્બરે શેરબજારે સતત 8માં દિવસે ઓલ ટાઈમ હાઇની સપાટી બનાવી હતી.
એશિયન બજારમાં કેવી છે સ્થિતિ?
એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં પણ 4.64% નો કડાકો બોલાઈ જતાં હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 2.23% વધ્યો હતો. બીજી બાજુ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 5.18%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. 27 સપ્ટેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.33% વધીને 42,313 પર બંધ થયો હતો. Nasdaq 0.39% ઘટીને 18,119 પર આવી ગયો. S&P 500 પણ 0.13% ઘટીને 5,738 પર આવી ગયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 27 સપ્ટેમ્બરે રૂ. 1,209.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 6,886.65 કરોડના શેર ખરીદ્યા હતા.