ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી ઑલટાઈમ હાઈ, રોકાણકારો ખુશ
Stock Market Boom: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350 પોઈન્ટથી વધુ ઉછાળો નોંધાવી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે.
સેન્સેક્સ 75368.56નુ ઑલટાઈમ હાઈ લેવલ બનાવ્યા બાદ 2.24 વાગ્યે 1116 પોઈન્ટના ઉછાળા સાથે 75336.19 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 339.20 પોઈન્ટ ઉછળી 22937 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટીએ 22948.45ની રેકોર્ડ ટોચ નોંધાવી છે.
વડાપ્રધાનના નિવેદન પર પીએસયુ શેરોમાં રોકાણકારો માલામાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને એનડીએની જીત નિશ્ચિત હોવાની ખાતરી આપતાં શેરબજારોમાં તેજી આવવાના એંધાણ આપ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. પીએસયુ શેરોમાં 10 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. કોચિન શિપયાર્ડ, આરવીએનએલ, મઝગાંવ ડોક, બીડીએલ, આઈઆરએફસી સહિતના શેરોમાં 15 ટકાથી વધુના ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચ બનાવી છે.
શેરબજારમાં ઉછાળા માટે કારણો
લોકસભા ચૂંટણી 2024નુ અપેક્ષિત પરિણામ મળવાની શક્યતા વધી છે. વૈશ્વિક શેરબજારો પણ પોઝિટીવ પરિબળો સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આરબીઆઈએ સરકારની તિજોરીમાં 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ઠાલવવાની જાહેરાત કરતાં મજબૂત અર્થતંત્રનો સંકેત મળ્યો છે. બેન્કિંગ શેરોમાં વોલ્યુમ વધ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.23 ટકા તૂટી 21.42 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટમાં સ્થિરતા વધવાનો સંકેત આપે છે.
રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી
સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળા સાથે રોકાણકારોની મૂડી રૂ.4 લાખ કરોડ વધી છે. 2.42 વાગ્યે બીએસઈ માર્કેટ કેપ રૂ. 419.50 લાખ કરોડની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જેમાં ગઈકાલના બંધ સામે રોકાણકારોની મૂડી રૂ. 3.56 લાખ કરોડ વધી છે.
સ્મોલકેપ-મીડકેપ સહિત આઠ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ
શેરબજારમાં આજે સાર્વત્રિક તેજી જોવા મળી છે. સ્મોલકેપ,મીડકેપ, લાર્જકેપ ઉપરાંત ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ ઈન્ડેક્સ પણ ઓલટાઈમ હાઈ થયા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીના માહોલ વચ્ચે રિયાલ્ટી ઈન્ડેક્સ પણ નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો, મજબૂત આર્થિક વૃદ્ધિ, માગમાં વૃદ્ધિ સહિતના પરિબળોએ શેરોના વોલ્યૂમ વધાર્યા છે.