શેરબજારમાં તેજી : રોકાણકારોની સંપત્તિ વધીને રૂ. 420.22 લાખ કરોડ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં તેજી : રોકાણકારોની સંપત્તિ વધીને રૂ. 420.22 લાખ કરોડ 1 - image


- વિદેશી રોકાણકારોની રૂ. ૪૬૭૧ કરોડની જંગી લેવાલી

- સેન્સેક્સ 75,499નું નવું શિખર બનાવી કામકાજના અંતે 1,197 પોઇન્ટ ઉછળીને 75,418ની ટોચે

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના વિવિધ તબક્કા પૂરા થવા સાથે કેન્દ્રમાં સ્થિર સરકાર રચાવાના પ્રબળ આશાવાદની સાથોસાથ રિઝર્વ બેંક દ્વારા વિક્રમી ડિવિડન્ડની ચૂકવણીના અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી આજે નીકળેલી નવી લેવાલી પાછળ દેશના બે ય આગેવાન શેરબજારોમાં આજે તોફાની તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સે ૭૫,૪૯૯ અને નિફ્ટીએ ૨૨૯૯૩ની ઓલટાઇમ હાઇ સપાટીની રચના કર્યા બાદ કામકાજના અંતે નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.૪૨૦.૨૨ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી.

લોકસભાની ચૂંટણીના અંતિમ બે તબક્કાના મતદાન પૂર્વે દેશમાં ફરી એકવાર સ્થિર સરકાર રચાવાના પ્રબળ આશાવાદે તેમજ કોર્પોરેટ કંપનીઓના સાનુકૂળ પરિણામો પાછળ વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય બજારમાં એન્ટ્રી કરી હતી તેમની પાછળ સ્થાનિક રોકાણકારો, ફંડો અને ખેલાડીઓ પણ પૂરા જોશથી નવી લેવાલી તરફ વળતા પસંદગીના હેવી વેઇટ શેરોની આગેવાની હેઠળ બજાર નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે નવી ઝડપી લેવાલીએ સેન્સેક્સ ૭૫,૦૦૦ની સપાટી કુદાવીને ૭૫,૪૯૯.૯૧ની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. જો કે, કામકાજના અંતે તે ૧૧૯૬.૯૮ પોઇન્ટ ઉછળીને ૭૫,૪૧૮.૦૪ ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે પણ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ નિફ્ટી ઇન્ટ્રા-ડે ઉછળીને ૨૩,૦૦૦થી વ્હેંત છેટો ૨૨,૯૯૩.૬૦ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૩૬૯.૮૫ પોઇન્ટ ઉછળીને ૨૨,૯૬૭.૬૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ રૂ. ૪.૨૮ લાખ કરોડનો વધારો થતાં કામકાજના અંતે રૂ. ૪૨૦.૨૨ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ પહંચી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૪,૬૭૧ કરોડની જંગી લેવાલી હાથ ધરી હતી. તો સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૪૬ કરોડની ખરીદી કરી હતી.

તેજીના મુખ્ય કારણો

- સ્થિર સરકારની આશા

- સામાન્ય ચોમાસાની આગાહી

- વૈશ્વિક બજારોમાં આગેકૂચ

- રિઝર્વ બેંકનું ડિવિડન્ડ

ડાઉ જોન્સમાં 250 પોઈન્ટનું ગાબડું

ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે ગોલ્ડમેન દ્વારા વ્યાજદરમાં ઘટાડો ચાલુ વર્ષે નહીં થવાની ગણતરી પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં અમેરિકી શેરબજારના ડાઉ જોન્સના ઈન્ડેક્સમાં ૨૫૦ પોઈન્ટનો ગાબડું નોંધાયું હતું.

ઉપરોક્ત અહેવાલો પાછળ વેચવાલીના દબાણ પાછળ ડાઉ જોન્સ ૨૫૦ પોઈન્ટ તુટીને ૩૯૪૨૦ ઉતરી આવ્યો હતો.


Google NewsGoogle News