Stock Market Boom: બીએસઈ માર્કેટ કેપ નવ માસમાં 100 લાખ કરોડ વધ્યુ, 400 લાખ કરોડ ક્રોસ
Stock Market Boom: શેરબજારોએ આજે તેજી સાથે રેકોર્ડ ટોચ નોંધાવાની સાથે બીએસઈ માર્કેટ કેપએ 400 લાખ કરોડની સપાટી વટાવી છે. બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓના વોલ્યૂમ વધતાં કુલ માર્કેટ કેપ રૂ. 401.09 લાખ કરોડથી વધી છે.
બ્લુચીપ, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસમાં રેકોર્ડબ્રેક તેજી સાથે બીએસઈ માર્કેટ કેપ નવ માસમાં 100 લાખ કરોડ વધી છે. અગાઉ જુલાઈ, 2023માં માર્કેટ કેપ રૂ. 300 લાખ કરોડના માઈલસ્ટોને પહોંચી હતી. બાદમાં આજે 8 એપ્રિલ, 2024ના રોજ માર્કેટ કેપ રૂ. 400 લાખ કરોડની સપાટી ક્રોસ કરી છે.
બીએસઈ માર્કેટ કેપના માઈલસ્ટોન
વિગત |
માર્કેટ કેપ |
માર્ચ-2014 |
રૂ. 100 લાખ કરોડ |
ફેબ્રુઆરી-2021 |
રૂ. 200 લાખ કરોડ |
જુલાઈ-2023 |
રૂ. 300 લાખ કરોડ |
એપ્રિલ-2024 |
રૂ. 400 લાખ કરોડ |
રોકાણકારોની મૂડી 57 ટકા વધી
એપ્રિલ-23થી બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 145 લાખ કરોડ વધી છે. જે રોકાણકારોની મૂડીમાં 57 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મજબૂત કોર્પોરેટ પરિણામો, પોઝિટીવ ઈન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ, સ્થિર નીતિઓના કારણે તેજી, સ્થાનિક અને વિદેશી રોકાણમાં વૃદ્ધિ સહિતના પરિબળોના પગલે ભારતીય શેરબજારમાં આકર્ષક રિટર્ન જોવા મળી રહી છે. મીડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ એક વર્ષમાં ક્રમશઃ 60 ટકા અને 63 ટકા વધ્યા છે. જ્યારે લાર્જ કેપ ઈન્ડેક્સ 28.6 ટકા વધ્યો છે. ઓટો, રિયાલ્ટી, એનર્જી, ફાર્મા, ટેલિકોમ્યુનિકેશન્સ, ઈન્ફ્રા, ઓટો પીએસયુ શેરોમાં પણ મબલક ઉછાળો નોંધાયો છે.
વૈશ્વિક પરિબળો પણ સકારાત્મક
અમેરિકી શેરબજાર ગત સપ્તાહે ગ્રીન ઝોનમાં બંધ રહ્યુ હતું. જેની પાછળનું કારણ મજબૂત રોજગારી આંકડાઓ, આર્થિક સ્થિતિમાં સુધારો અને વ્યાજદરો સ્થિર રહેવાની શક્યતા સાથે આગામી સમયમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ છે. અમેરિકાની બેરોજગારીનો દર 3.8 ટકા ઘટ્યો છે. પગાર પણ વધ્યા છે. જે ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટીવ દર્શાવે છે.
મોતિલાલ ઓસ્વાલ સિક્યુરિટીઝના મતે, લોકસભા ચૂંટણી 2024ના અપેક્ષિત પરિણામો સાથે ભારતનો જીડીપી FY25/26 સુધીમાં 4 લાખ કરોડ ડોલરની સપાટી ક્રોસ કરે તેવો આશાવાદ છે.જે ભારતીય શેરબજારોને વેગ આપશે. ફાઈનાન્સિયલ સેક્ટર, ખાનગી રોકાણો, વપરાશ, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના સેક્ટર્સમાં ફોકસ રાખતાં મધ્યમ ગાળામાં તેજીની સંભાવના વધુ છે.